અતિ કષ્ટદાયક રોગ : ‘અશ્મરી’ (પથરી)
આયુર્વેદમાં ‘અશ્મરી’ તરીકે ઓળખાતા આ રોગને સામાન્ય ભાષામાં ‘પથરી’ તરીકે ઓળખવામાં આવે છે. અશ્મરી કે પથરીની પીડા તેના આકાર, સ્થાન અને મૂત્રમાર્ગ તથા મૂત્રાશયની શ્ર્લેષ્મિક કલાના શોથ પર આધાર રાખે છે.
જો પથરી નાની હોય તો સામાન્ય રીતે દિવસમાં ૨થી ૩ લીટર જેટલું પાણી પીવાથી પેશાબ વાટે નીકળી જાય છે, પરંતુ પથરીનું કદ જો મોટું હોય અથવા તે નીકળી શકે નહીં કે તૂટી શકે નહીં તેવી સ્થિતિમાં હોય તો પછી ઓપરેશન કરાવવું પડતું હોય છે, કારણ કે યોગ્ય સમયે જો પથરી મૂત્રમાર્ગે બહાર ન નીકળે તો કીડનીને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી હોય છે, પરંતુ આયુર્વેદમાં એવા કેટલાક સચોટ અને સરળ ઉપચારો છે, કે જેનાથી આ પથરી કદમાં નાની હોય તો તૂટી શકે છે અને મૂત્રમાર્ગે બહાર પણ આવી જાય છે. જેથી, ઑપરેશનના ભય અને મોટા ખર્ચાઓમાંથી દર્દી બચી શકે છે. આવા કેટલાક સરળ ઉપચારો અહીં હું સૂચવું છું.
જો પથરી થઈ હોય તો નીચેનામાંથી એક કે તેથી વધારે ઉપાય નિષ્ણાત વૈદ્યની સલાહ સાથે અજમાવી શકાય :
# ગાયના દૂધની પાતળી છાસમાં સિંધવ નાખી ઊભા ઊભા રોજ સવારે નરણેકોઠે પીવી. આ પ્રયોગ ૨૧ દિવસ સુધી કરવો.
# કળથીનો ક્વાથ (સૂપ) બનાવી તેમાં સૂરોખાર મેળવી પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે અને તેની ભયંકર પીડા મટી જાય છે.
# લીંબુના રસમાં સિંધવ મેળવી સવારે નરણેકોઠે ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જવાની શક્યતાઓ વધી જાય છે.
# જૂનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી ‘પથરી’માં ખૂબ ફાયદો થાય છે.
# આ ઉપરાંત આયુર્વેદિક ઔષધોમાં નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ ગોક્ષુર ચૂર્ણ, અશ્મરી હરક્વાથ, વરુણાદિ ક્વાથ વગેરે ઔષધોનું સેવન કરી શકાય છે.
પથરીના દર્દીએ પથ્યા-પથ્યનું ખૂબ ધ્યાન રાખવું. કફકારક આહાર-વિહાર, લીલી ભાજી, સુરણ, દહીં, કેલ્શિયમયુક્ત ખોરાક વગેરે દર્દી માટે અહિતકર છે. જ્યારે પુષ્કળ પાણી, છાસ, મગ, સિંધવ, કળથી, જવ, જૂના ચોખા વગેરેનું સેવન લાભકર છે.
નિદાનોક્ત કારણોનો ત્યાગ અને શીઘ્ર ઔષધોપચાર એ આ રોગની પીડાથી અવશ્ય મુક્તિ અપાવે છે.
નોંધ - અહીં દર્શાવેલા ઉપાય નિષ્ણાત વૈદ્યની સલાહ સાથે અજમાવા જરૂરી છે, અહીં માત્ર આયુર્વેદ પથરીને લઈને શું ઉપાય બતવે છે તેની વાત મૂકવામાં આવી છે