મલેરિયા, ચિકનગુનિયા, ડેંગુ… આ ત્રણ ગંભીર બિમારીથી બચવું હોય તો આ તમારા માટે છે
જ્યા મચ્છર રહે ત્યા માણસ સ્વસ્થ ન રહી શકે. માત્ર મચ્છર કરડવાથી અનેક ગંભીર રોગ થાય છે. અને યાદ માત્ર અને માત્ર સ્વચ્છતા જાળવવાથી અનેક મચ્છરજન્ય રોગો થતા અટકાવી શકાય છે.
મલેરિયા, ચિકનગુનિયા, ડેંગુ….આવા નામ તમે સાંભળ્યા જ હશે. વરસાદની આ ઋતુમાં આ નામો વધારે સાંભળવા મળે છે. કારણ શું ? તો કારણ છે વરસાદ અને તેમા પેદા થતા મચ્છર. આ મચ્છરના કારણે થોડા એવા રોગો થાય છે જે ગંભીર ગણાય. મલેરિયા, ચિકનગુનિયા, ડેંગુ અને ગૈસ્ટ્રોએન્ટરાઈટિસ જેવા ગંભીર રોગો આ મચ્છરના કારણે થાય છે. જો આવા રોગોથી બચવું હોય તો મચ્છરને તમારાથી અને પરિવારથી દૂર રાખો. કેવી રીતે? આવો, સમજીએ…
મલેરિયા…..
મચ્છરથી થતા રોગોનું નામ યાદ કરો એટલે પહેલું નામ મલેરિયા જ યાદ આવે. મલેરિયા ફિમેલ એનોફેલિસ નામના મચ્છર કરડવાથી થાય છે. મલેરિયા થાય એટલે તરત તમને થોડો થોડો તાવ આવે, માથુ દુઃખવા લાગે, શરીર દુઃખે, અશક્તિ મહેસૂસ થાય, ચક્કર પણ આવે….આ, આ રોગના લક્ષણ છે. આવા લક્ષણ દેખાય તો પહેલા ચેક કરો કે તમારા ઘરમાં મચ્ચરનો ઉપદ્રવ તો નથી. મચ્છર જેવું લાગે તો તેને દૂર કરવાના ઉપાય શોધો અને તમારો યોગ્ય ઉપચાર કરાવો. આનાથી બચવું હોય તો આ ઋતુમાં આખું શરીર ઢકાય તેવા કપડા પહેરવા જોઇએ. તમારી આસપાસનો વિસ્તાર બને એટલો સ્વચ્છ રાખો, સ્વચ્છતા હશે ત્યાં આ મચ્છર નહી રહી શકે. ઘરના ખૂણામાં કે આજુ-બાજુમાં પાણીના ખાબોચીયા ન ભરાય તેનું પણ ધ્યાન રાખો. યાદ રાખો સ્વચ્છતા જ આ રોગથી તમેને દૂર રાખી શકશે.
ડેંગુ…
ડેંગુ પણ મચ્છરોથી થતો ગંભીર રોગ છે. આ રોગથી દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. તાવ આવે, માથું દુઃખે, સ્નાયુઓ અને ધૂંટણ, સાંધાઓમાં દુઃખાવો થવો, ઠંડી લાગવી, અશક્તિ, ચક્કર આવવા…આ બધા આ રોગના લક્ષણો છે. જો આ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. એવું કહેવાય છે કે ડેંગુ થાય તો તેના દર્દીએ વધારે પ્રવાહી પર રહેવું જોઇએ. પેટને કષ્ટ પડે તેવો ખોરાક જરા પણ ન ખાવો જોઇએ. યોગ્ય ડાયટ અને ડોકટરની સલાહથી થયેલો ઉપચાર ડેંગુને મટાડી શકે છે.
ચિકનગુનિયા…
ડેંગુ જેવો જ આ રોગ છે. એવું કહેવાય છે કે ચિકનગુનિયા જે મચ્છરો કરડવાથી થાય છે તે મચ્છરો દિવસે વધારે કરડે છે. માથું દુઃખવું, આંખો દુઃખવી, ઊંઘ ન આવવી, અશક્તિ, શરીર પર લાલ ચાંદા પડવા, સાંધાઓમાં જોરાદાર દુઃખાવો થવો…આ તેના લક્ષણ છે. આ બિમારીથી બચવાનો એક જ ઉપાય છે સ્વચ્છતા. ઘર અને તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખો, આ મચ્છરોને પેદા થવા ન દો અને સ્વસ્થ રહો.