૯૭ રનથી કિંગ્સ ઇલેવન પંજાબે આ મેચ જીતી લીધી છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ – IPLની ૧૩મીં સીઝનની છઠ્ઠી મેચ આજે રમાઈ ગઈ. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ - KXIP અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - RCB વચ્ચે હતી. RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાની પંસદ કરી.. જેમાં KXIP એ ૨૦ ઓવરમાં શાનદાર ૨૦૬ રન બનાવ્યા. જેની સામે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – RCB માત્ર ૧૦૯ રનમાં ઓલાઆઉટ થઈ ગઈ હતી. ૯૭ રનથી કિંગ્સ ઇલેવન પંજાબે આ મેચ જીતી લીધી છે.
લોકેશ રાહુલ - KL Rahul - ની ધમાકેદાર સદી
લોકેશ રાહુલે ૬૯ બોલમાં ૭ સિક્સ અને ૧૪ ફોર સાથે ૧૩૨ રન બનાવ્યા હતા. આ સાથે લોકેશ રાહુલે આ સીઝનની પહેલી સદી મારી અને તે લીગમાં સૌથી મોટો સ્કોર કરનાર ભારતીય પણ બન્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા આઈપીએલમાં સૌથી વધુ સ્કોર ઋષભ પંતના નામે હતો. તેણે ૨૦૧૮માં ૧૨૮ રન બનાવ્યા હતા. વિદેશી ખેલાડીની વાત કરીએ તો આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો તેણે ૧૨૬ રન બનાવ્યા હતા. હવે આ બન્ને રેકોર્ડ લોકેશ રાહુલના નામે નોંધાયા છે. એક ઇનિગ્સમાં સૌથી વધુ રન મારનારા વિદેશી ખેલાડીઓની યાદી હોય કે ભારતીય ખેલાડીઓની યાદી હોય, બન્નેમાં હવે લોકેશ રાહુલ સૌથી આગળ છે.
રાહુલની ટીમના બોલરે પણ કમાલ કરી…
આરસીબીની ટીમની ઇનિગ્સ શરૂ થઈ અને શરૂઆતમાં જ મોહમ્મદ શામી અને સેલ્ડન કોટ્રેજએ ત્રણ વિકેટ લઈ લીધી. સેલ્ડને બે અને શામીએ ૧ વિકેટ લીધી અને શરૂઆતમાં જ કોહલીની ટીમનો આધાર ધ્વસ્ત કરી દીધો હતો. પાછળથી રવિ બિશ્નોઇએ પણ કમાલ કરી. તેની બોલિંગ પ્રભાવિત રહી. તેણે પોતાની ૪ ઓવરમાં ૩૨ રન આપી ત્રણ વિકેટ લીધી અને છેલ્લે મુરુગન અશ્વિને પણ તેની ત્રણ ઓવરમાં માત્ર ૨૧ રન આપી ૩ વિકેટ લીધી હતી.
લોકેશ રાહુલના પૂરા થયા ૨૦૦૦ રન…
IPLમાં સૌથી ઝડપી 2000 હજાર નોંધાવનાર ખેલાડીઓમાં પણ આજે રાહુલે પોતાનું નામ નોંધવી દીધું છે. લોકેશ રાહુલે ૬૦ ઇનિગ્સમાં ૨૦૦૦ રન પૂરા કર્યા છે. જો કે આ યાદીમાં પહેલા નંબરે ક્રિસ ગેલ અને બીજા નંબરે શોન માર્શ છે. ક્રિસ ગેલે ૪૮ ઇનિગ્સમાં અને શોન માર્શએ ૫૨ ઇનિગ્સમાં ૨૦૦૦ રન પૂરા કર્યા હતા.
કોહલી થયો નાસીપાસ
વિરાટા કોહલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ ગયો. તેણે છેલ્લી ઓવરોમાં લોકેશ રાહુલના એક નહી પણ સૌથી સરળ એવા બે કેચ છોડ્યા હતા. તેની બોડી લેગ્વેજથી જ આજે દેખાતું હતુ કે તેણે મેચ છોડી દીધી છે. તેનું પરિણામ તેને બેટિંગમાં પણ ભોગવવું પડ્યું તે ૫ બોલમાં માત્ર ૧ રન બનાવીને આઉટ થઈ ગયો.
કોહલીની ટીમમાં કોઇ ના ચાલ્યુ…
બોર્ડ પર ટીમ જોઇને, બેગ્લોરની ટીમના ખેલાડી જોઇને તેમના નામ વાંચીને એવું જ લાગે કે આ ટીમ સામે ૨૦૦ રનનો ટાર્ગેટ હોય તો પણ તે આરામથી બનાવી શકે છે. એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ… આ બધા ખેલાડી એવા છે જે ગમે ત્યારે ગમે તે સંજોગામાંથી મેચને બચાવીને મેચ જીતાડી શકે છે. પણ આજે આમાંથી કોઇ ના ચાલ્યુ. એરોન ફિંચે ૨૦ રન. કોહલીએ માત્ર ૧ રન અને ડિવિલિયર્સે ૨૮ રન બનાવ્ય અને પોવેલિયન ભેગા થઈ ગયા. નવમી ઓવરમાં ડિવિલિયર્સની વિકેટ પડી અને લગભગ આરસીબીના હાથમાંથી મેચ લગભગ જતી રહી હતી. જો કે પાછળથી શિવમ દુબે જેવો હાર્ડ હિટર પણ નિષ્ફળ ગયો.
શિવમ દુબેએ બોંલિંગમાં કમાલ કરી
જ્યારે કોહલીની ટીમના બધા મુખ્ય બોલરો ધોવાઈ રહ્યા હતા ત્યારે કોહલીએ શિવમને બોલ પકડાવ્યો અને અને શિવમે પણ સારી બોલિંગ કરી કેપ્ટનનો વિશ્વાસ જીત્યો. શિવમે ૪ ઓવરમાં ૩૩ રન આપીને બે વિકેટ લીધી.તમને જણાવી દઈએ કે આ સમયે પંજાબની માત્ર ૧ વિકેટ જ ગઈ હતી. આવા સમયે શિવમે તેના બે ઓવરના સ્પેલમાં ૨ નિકોલશ પૂરન અને ગ્લેન મેક્સવેલની વિકેટ લીધી હતી.
બધું ઉંધુ થઈ રહ્યું છે…
ઉલ્લેખનીય વાત એ છે આ આઈપીએલમાં બધા કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું જ પસંદ કરે છે કારણ કે બીજી ઇનિગ્સમાં અહીં ઓસ વધારે પડે છે જેને કારણે બોલ ભીનો રહે છે અને બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે પણ આગળની છ મેચ જોતા તો એવું લાગે છે કે અહીં પહેલા બોલિંગ નહી પણ બેટિંગ કરવી સારી. કેમ કે પહેલી બેટિંગ કરનારી ટીમ અહીં જીતી રહી છે.
બેંગલોરની ટીમ: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી , એબી ડિવિલિયર્સ, જોશ ફિલિપ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને નવદીપ સૈની
પંજાબની ટીમ : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, જિમી નીશમ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટરેલ, મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઇ