સંબંધોની ઓલ ઈન વન આવૃત્તિ
લેખક : રાજ ભાસ્કર
પ્રકાશક : બુક શેલ્ફ -16, સીટી સેન્ટરસ્વસ્તિક ચાર રસ્તા પાસે,સી. જી. રોડ,
અમદાવાદ ફોન : 98256 11694
આ પુસ્તક વાંચતાં એવું લાગે છે જાણે આપણે આપણા બાળપણના મિત્ર સાથે શેરીમાં ધીંગામસ્તી કરતા હોઈએ.
કહેવાય કે ભારતની યંગ જનરેશનને પશ્ર્ચિમી ફેશનનો એરુ આભડી ગયો છે. ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે અને વેલેન્ટાઈન ડે ના નામે એક આખી પેઢી વલ્ગર મહેફિલો કરીને નશામાં ઝૂમવાના રસ્તા શોધતી થઈ ગઈ છે. આજે જ્યારે ફ્રેન્ડશીપ ડે અને ફ્રેન્ડઝ ડે બંને એની ગરિમા ગુમાવી રહ્યા ત્યારે સાધનાના પત્રકાર અને લેખક રાજ ભાસ્કર લઈને આવ્યા છે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં મિત્રતાની મહત્તા સમજાવતું એક નવું નક્કોર પુસ્તક ‘દોસ્તી’. આજકાલ દોસ્તી નામના ગુલમહોરી ઝાડને ઈર્ષા, વિશ્ર્વાસઘાત, દગો અને બેવફાઈ જેવા કાંટા પણ ફૂટવા લાગ્યા છે ત્યારે આ પુસ્તકમાં જગતના શ્રેષ્ઠ પ્રસંગો આપીને લેખકે દોસ્તી શું છે?
દોસ્ત શું છે? એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.દોસ્ત એટલે શું એની વ્યાખ્યા કરતાં લેખક એમના અનોખા અનેરા અંદાજમાં લખે છે કે, દોસ્ત એટલે એ વ્યક્તિ જે એના બુશકોટની બાંયથી આપણાં આંસુ લૂછી દે. દોસ્ત એટલે જિંદગીની ફિરકીમાં લપેટાઈને પડેલો કાચ પાયેલો માંજો, જે આપણી જીવનપતંગને આકાશની સેર પણ કરાવે છે અને એને કાપવા આવનારનો પેચ કાપીને આપણી રક્ષા પણ કરે છે. દોસ્ત એટલે જેના વધારે માકર્સ આવ્યા હોય છતાં આપણા ઓછા આવ્યાના દુ:ખમાં મુરઝાઈ જતો ચહેરો. દોસ્ત એટલે એ વ્યક્તિ જેની સાથે જલસા પણ કરી શકાય અને જખમ પણ પંપાળી શકાય.
એવી જ રીતે દોસ્તીની વ્યાખ્યા આપતાં લેખક લખે છે કે, દોસ્તી એટલે એકની નસોના રક્તનું બીજાના શરીરમાં વહેવું અને એકની છાતીના ધબકારનું બીજાની છાતીમાં ધબકવું. દોસ્તી એટલે એકના હૈયે ઊછળતા ઉમંગનું બીજાના ‚રૂવાડા પર લહેરાઈને નાચી ઊઠવું અને એકના હૈયામાં ભરાયેલા વેદનાના ડૂમાનું બીજાની આખમાંથી ખાબકી પડવું.દરેક વ્યક્તિના જીવનમાં આવો એક દોસ્ત હોય છે, અને એની સાથેના સંબંધને આપણે દોસ્તી નામ આપ્યું છે. મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી, પતિ-પત્ની, દીકરો-દીકરી જેવા અનેક સંબંધોથી ગૂંથાયેલી આ જિંદગીમાં દોસ્તી એક એવો સંબંધ છે જેમાં આ બધા જ સંબંધોનો અર્ક છુપાયેલો છે. દોસ્તી એટલે ‘સંબંધોની ઓલ ઈન આવૃત્તિ’, કારણ કે દોસ્ત બહુ ફ્લેક્સીબલ હોય છે. જ‚ર પ્રમાણે એ આપણો ભાઈ બની શકે છે, બહેન બની શકે છે, પત્ની પણ બની શકે છે અને વખત આવે આપણો બાપ પણ બની શકે છે.
આ પુસ્તક વાંચતાં એવું લાગે છે જાણે આપણે આપણા બાળપણના મિત્ર સાથે શેરીમાં ધીંગામસ્તી કરતા હોઈએ. જાણે દોસ્તના ખભે હાથ મૂકીને ખોવાઈ ગયેલી નફિકરી લાઇફના અસ્તિત્વને ખોજતા હોઈએ. તો આવો વાચક પુસ્તક સાથે દોસ્તી કરીને સંબંધોની ઓલ ઈન વન આવૃત્તિની હૂંફાળી દુનિયામાં પ્રવેશ કરીએ અને વાગોળીએ એ મીઠડા જણ સાથે વિતાવેલી અનફરગેટેબલ મોમેન્ટ્સ.-...