સંતે સાદું ઉદાહરણ આપ્યું
એક સંત ગ્રામજનોને મીઠી વાણીમાં ભક્તિ અને વૈરાગ્યનું મહત્ત્વ સમજાવતા હતા. કોઈકે પૂછ્યું કે ભક્તિ કે વિરક્તિમાં ખોટ ક્યારે આવે, અને તેનું પરિણામ કેવું હોય?
સંતે સાદું ઉદાહરણ આપ્યું. સીતા એટલે ભક્તિનું જીવતુંજાગતું સ્વરૂપ. એમના મનમાં સુવર્ણમૃગનો મોહ જાગ્યો, ભોગની લાલસા પેદા થઈ. લક્ષ્મણ વિરક્ત પ્રકૃતિનું પ્રતીક છે. તેણે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી. પરિણામે, રાવણ દ્વારા અપહરણ અને યાતનાઓ.
સીતાની શોધમાં નીકળેલા વાનરોએ સામે ઘૂઘવતો સાગર જોયો, તેને ઓળંગવાની વિમાસણ થઈ. તુલસીદાસે ગાયું છે: ‘પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહી, જલધિ લાંઘી ગયે અચરજ નાહીં:’ અહીં સમુદ્ર મોહનું પ્રતીક છે, હનુમાન નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. ભક્તિનું-શ્રદ્ધાનું અપહરણ થાય ત્યારે તેની પુન:પ્રાપ્તિ માટે, મોહ રૂપી સાગર ઓળંગવો પડે. વર્તમાન સંદર્ભમાં ભૌતિક સુખ પાછળની દોટ, અને ભોગવાદી પડળોને કારણે ભારત માતા પ્રત્યેનો ભક્તિભાવ લુપ્ત થતો જાય છે. રાષ્ટ્રવાદી મનોવૃત્તિનું ભોગવાદે અપહરણ કર્યું છે. આજ પણ ભોગવાદી સ્વાર્થી વૃત્તિ દ્વારા દેશની અસ્મિતાનું અપહરણ થઈ રહ્યું છે. ત્યારે નિષ્કામ, વિરક્ત માનસિકતાની લક્ષ્મણરેખા જરૂરી બની છે. જીવનના દરેક ક્ષેત્રમાં એક મર્યાદા-રેખા, લક્ષ્મણ રેખા અનિવાર્ય છે. એના અભાવે મહા-અનર્થો સર્જાય છે.