અકસ્માત - પ. બંગાળમાં ટ્રેન અકસ્માત : 63થી વધુનાં મોત
પાટા પર દોડતું મોત
સોમવારની વહેલી સવારે (19 જુલાઈ) પશ્ર્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સૈન્થિયા સ્ટેશન પર ઊભેલી ભાગલપુર - રાંચી વનાંચલ એક્સપ્રેસ સાથે પાછળથી ફુલ ઝડપે ધસી આવીને ઉત્તરબંગા એક્સપ્રેસ અથડાતાં ભીષણ રેલ અકસ્માત સજાર્યો હતો, જેમાં 65થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે તથા 100થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા. હવે આટલો મોટો અકસ્માત થયો એટલે રેલવેના જવાબદારોએ જવાબ તો આપવા જ પડે ને! એટલે રેલવે અધિકારીઓનાં, એક પછી એક મંતવ્યો આવવા લાગ્યાં. શ‚આત કરીએ રેલવે મંત્રી મમતા બેનર્જીથી. મમતાજીનું માનીએ તો આ અકસ્માત થયો નથી કો કે તેમને બદનામ કરવા કરાવડાવ્યો છે. મમતાને આ અકસ્માતમાં શંકા છે. હવે મમતાજીને કોણ સમજાવે કે તમારા રેલવે મંત્રી બન્યા પછી રેલ અકસ્માતની સંખ્યા પણ તમારી પ. બંગાળની સીટોની જેમ વધી ગઈ છે, એમાં તો તમને કોઈ શંકા નથી ને! હકીકત તો એ છે કે નવી ટ્રેનોની જાહેરાતો કરીને વાહ-વાહ લૂંટનાર રેલવે પ્રધાન મમતા બેનરજીને રેલવે ખાતું સંભાળવાને બદલે પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં વધારે રસ છે. મમતાજીએ એ સમજવું જોઈએ કે રેલવેમાં સવલતો કરતાં વધુ સલામતીની જ‚ર છે. આ અકસ્માત પાછળ શંકા પ્રગટ કરતાં પહેલા મમતાજીએ એ સમજવું જોઈએ કે છેલ્લા એક વર્ષમાં 11 ટ્રેન અકસ્માતો, બે ટ્રેનો અથડાવાથી જ થયા છે. આ ઉપરાંત બીજા 100 જેટલા અકસ્માત તો ટ્રેન પાટા પરથી ઊતરી જવાથી થયા છે. છેલ્લા બે મહિનામાં આ ત્રીજો મોટો અકસ્માત છે. આપણા માટે દુ:ખદાયી બાબત એ છે કે છેલ્લા એક વર્ષમાં (મે 2009થી લઈને) રેલ અકસ્માતોમાં લગભગ 250 લોકો માર્યા ગયા છે.
આમાં પણ જ્યારે આવી દુર્ઘટના બને છે ત્યારે શંકાના નામે તપાસનું ફિડલું વાળી દેવાય છે. આ અકસ્માત માટે જો ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વી. એન. ત્રિપાઠીનું માનીએ તો રેલવેના ઉપકરણો સાથે છેડછાડ થઈ છે. વળી ઉત્તરબંગા એક્સપ્રેસ તેની ઝડપ કરતાં વધુ ઝડપે ચાલી રહી હતી. જોકે તેના બંને ડ્રાઈવરો (જે મૃત્યુ પામ્યા છે) કુશળ અને અનુભવી હતા. પણ આમ છતાં અકસ્માતનું સાચું કારણ આપણને યોગ્ય તપાસ પછી જ જાણવા મળશે. રેલવે બોર્ડના ચેરમેન વિવેક સહાયનું કહેવું છે કે ડ્રાઈવરોએ ટ્રેનની ઈમર્જન્સી બ્રેક ન લગાવી કે જાત બચાવવા કૂદી પણ ન પડ્યા એ નવાઈ છે.
અહીં વિચારવા જેવી બાબત એ છે કે મુસાફરોને સવલતો આપવા મંત્રીઓ ટ્રેનો વધારે છે પણ ટ્રેનો વધવાથી, ટ્રેનના શિડ્યુલમાં થતા ફેરફાર વિશે આ મંત્રીઓ વિચારતા નથી, પરિણામે ટ્રેનો વધવાથી, એક નાનકડી ભૂલથી આવી મોટી ઘટના ઘટી જાય છે. રેલવે અધિકારીઓની ખામીઓ આવા અકસ્માતથી બહાર આવી રહી છે. બે મહિના પહેલા થયેલ જ્ઞાનેશ્ર્વરી એક્સપ્રેસની ઘટના પાછળ ભલે નક્સલવાદીઓનો હાથ હોય પણ ઉત્તરબંગા અને વનાંચલ એક્સપ્રેસ વચ્ચે થયેલી અથડામણમાં રેલવે બોર્ડની જ કોઈ ખામી છે. રેલવે અધિકારીઓ જ કહી રહ્યા છે કે ઉત્તરબંગા એક્સપ્રેસના ડ્રાઈવરે તેમના નિર્દેશની અનદેખી કરી અને સ્ટેશન પર ઊભેલી વનાંચલ એક્સપ્રેસ સાથે અથડાઈ ગઈ. અન્ય જાણકારો પણ એ જ કહી રહ્યા છે કે સિગ્નલનું ઉલ્લઘન થયું અને આ અકસ્માત થયો. હવે મમતાને આમાં પણ શંકા લાગે છે. મમતાજી આશ્ર્ચર્ય સાથે જણાવે છે કે આમાં બેજવાબદારી ક્યાંય નથી. ટ્રેન તેના સમયથી 25 મિનિટ પહેલા સ્ટેશને કઈ રીતે પહોંચી ગઈ? આમાં જ‚ર કોઈની સાજિશ છે. ઠીક છે મમતાજી તમે મંત્રી છો એટલે તમે કહો તે સાચું (?) પણ આ
અકસ્માતમાં માર્યા ગયા નિર્દોષોનું શું?
એક રેલમંત્રી હોવાથી તમારી ફરજ બને છે કે રેલ મુસાફરી સલામત અને સુરક્ષિત બને પણ તમારા કાર્યકાળમાં હવે તે સુરક્ષિત રહી નથી.આવી દુર્ઘટનાથી આપણા રેલવે મંત્રી તો જાગતા નથી જ, આપણી કેન્દ્ર સરકાર પણ જાગતી નથી. ભારતીય રેલવે આધુનિકરણ અપ્નાવવામાં પાછળ રહી ગઈ છે, તેનું મુખ્ય કારણ આપણું રાજકરણ છે. આ રાજકીય નેતાઓ આપણા રેલવે વિભાગનો એક ‘રાજકીય હથિયાર’ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને તેનું પરિણામ ભારતના નિર્દોષ નાગરિકોને ભોગવવું પડે છે.
છેલ્લા સાત વર્ષમાં થયેલા મોટા ટ્રેન અકસ્માતો
- 27 ફેબ્રુઆરી, 2004: પશ્ર્ચિમ બંગાળમાં ખુલ્લી ફાટક પર કાંચનજંગા એક્સપ્રેસ ટ્રક સાથે ટકરાતાં 30નાં મોત.
- 15 ડિસેમ્બર, 2004: જલંધર નજીક અમદાવાદ જતી જમ્મુ-તાવી એક્સપ્રેસ લોકલ ટ્રેન સાથે ટકરાતાં 34નાં મૃત્યુ.
- 9 નવેમ્બર, 2006: પશ્ર્ચિમ બંગાળમાં થયેલા ટ્રેન અકસ્માતમાં 40 પેસેન્જરોનાં મૃત્યુ અને 15 ઈજાગ્રસ્ત.
- 1 ડિસેમ્બર, 2006: ભાગલપુર જિલ્લામાં 150 વર્ષ જૂનો પુલ પસાર થતી ટ્રેન પર તૂટી પડતાં 35નાં મોત, 17ને ઈજા.
- 21 ઑક્ટોબર, 2009: ઉત્તર પ્રદેશમાં ગોવા એક્સપ્રેસ અને મેવાડ એક્સપ્રેસ ટકરાતાં 22 પેસેન્જરનાં મૃત્યુ.
- 2 જાન્યુઆરી, 2010: ઉત્તર પ્રદેશમાં ધુમ્મસને કારણે પાંચ ટ્રેનોને નડેલા ત્રણ અકસ્માતમાં કુલ 15નાં મોત.
- 16 જાન્યુઆરી, 2010: ઉત્તર પ્રદેશમાં કાલિંદી એક્સપ્રેસ અને શ્રમશક્તિ એક્સપ્રેસ ટકરાતાં 3નાં મૃત્યુ.
- 28 મે, 2010: પશ્ર્ચિમ બંગાળમાં નક્સલીઓએ વિસ્ફોટ કરીને જ્ઞાનેશ્ર્વરી એક્સપ્રેસને ઉથલાવી પાડતાં 148નાં મોત.
- 18 ઑગસ્ટ, 2010: પશ્ર્ચિમ બંગળના વીરભૂમમાં ઉત્તરબંગા એક્સપ્રેસ વનાંચલ એક્સપ્રેસ સાથે ટકરાતાં 60નાં મોત.

હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.