‘હું વિકલાંગ નથી...



હું વિકલાંગ નથી...’


તીરંદાજી, કુસ્તી, નિશાનેબાજી સહિતની મોટાભાગની રમતોમાં ભારતીય રમતવીરોએ પોતાના જોશ અને જુસ્સાનો વાવટો ફરકાવીને કેટકેટલાય પદકો મેળવ્યાં છે, પરંતુ એક રમત એવી છે કે જેમાં પદકની બાબતે આપણો દેશ હમેશાથી કમભાગી રહ્યો છે અને એ છે તરણ સ્પર્ધા અર્થાત્ સ્વિમિંગ. પરંતુ આ વખતના દિલ્હી કોમનવેલ્થ રમતોત્સવ વખતે ભારતીય રમતવીરોએ ભારતીય રમતજગત પર લાગેલા આ ડાઘને ઘણે ખરે અંશે સાફ કર્યો છે, કારણ કે આ વખતના કોમનવેલ્થ રમતોત્સવમાંતરણસ્પર્ધામાં ભારતે તેનો પ્રથમ ચંદ્રક જીતી ઇતિહાસ સર્જ્યો છે.ભારતના પ્રશાંત કરમાકરે વિકલાંગ ખેલાડીઓની 50 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતીને આ સ્પર્ધામાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતના અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.ભારત માટે તરણ સ્પર્ધામાં સૌ પ્રથમ પદક જીતનાર પ્રશાંત તેની આ સિદ્ધિ બાદ અચાનક માધ્યમો માટે હીરો બની ગયો છે. તે કહે છે કે વિશ્ર્વભરમાં સ્વિમિંગ સ્પર્ધાની ભારે લોકપ્રિયતા છે છતાં એમાં આપણો દેશ પાછળ જ રહ્યો છે, તે આપણા બધાને માટે વિચારવા જેવી બાબત ગણાય. મને પહેલેથી જ આ સવાલ કોરી ખાતો હતો. આજે સ્પર્ધામાં મેં પદક મેળવીને મારા ખુદના સવાલોનો જવાબ આપી દીધો છે. પ્રશાંત કહે છે કે આ સ્પર્ધામાં વિજેતા તરીકે જાહેર થયો ત્યારે હું ખૂબ જ લાગણીસભર બની ગયો હતો. મને ખબર જ નહોતી પડતી કે હું શું કરું, તે વખતે મારી આંખો માત્ર મારાં માતા-પિતાને શોધતી હતી. વિકલાંગ ખેલાડીઓની શ્રેણીમાં ભારતનું નામ રોશન કરનાર પ્રશાંતને એના જેવા લોકો માટે ‘ડિસએબલ્ડ’ શબ્દ વાપરવા સામે સખત વાંધો છે. એ કહે છે કે અમારા જેવા લોકો માટે આ પ્રકારનો શબ્દ વાપરવો એ અપમાન સમાન છે. વિશ્ર્વના તમામ માનવીઓમાં કોઈને કોઈ ખામી છે જ ને? તો પછી તેમના માટે ‘ડિસએબલ્ડ’ શબ્દ કેમ નથી વપરાતો? કારણ કે અમારી વિકલાંગતા બધાને દેખાય છે અને તેમની વિકલાંગતા તેઓ છુપાવી રાખે છે માટે?સ્વિમિંગમાં ભારતને સૌ પ્રથમ પદક અપાવ્યા બાદ હાલ ભલે પ્રશાંત અચાનક જ માધ્યમોમાં ચર્ચિત બની ચૂક્યો હોય, પરંતુ તેની અહીં સુધીની યાત્રા કોઈ સાહસયાત્રાથી ઓછી નથી. તે કહે છે કે, હું પશ્ર્ચિમ બંગાળના એક સાધારણ પરિવારમાંથી આવું છું. શ‚ શ‚માં મેં માત્ર શોખ ખાતર જ તરવાનું ચાલુ કર્યું, બાદમાં આ ક્ષેત્રે હું વધુ ને વધુ ગંભીર બનતો ગયો. આ ક્ષેત્રનાં પ્રશિક્ષણ માટે હું બેંગલોર ગયો, પરંતુ પૈસાની ખેંચ મારા પ્રશિક્ષણમાં અવરોધ ‚પ સાબિત થઈ. પોતાના એ સંઘર્ષકાળને યાદ કરતાં પ્રશાંત કહે છે કે, મારા શોખને આગળ વધારવા અંતે મેં બેંગ્લોર જઈ આ ક્ષેત્રે ઊંડાણપૂર્વક પ્રશિક્ષિત થવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે કોઈક સ્વિમિંગ પુલમાં કામ કરીશ અને સાથે સાથે થોડો ઘણો અભ્યાસ પણ થઈ જશે. પરંતુ મને શી ખબર આ અભ્યાસ આટલો બધો અઘરો હશે, અને સમય માગી લેશે! પરિણામે હું નોકરી કરી જ નહોતો શકતો. મારી જોડે જે થોડાઘણા પૈસા હતા તે પણ ત્રણ મહિનામાં પૂરા થઈ ગયા. એમાં પણ ખાવા-પીવાના ત્રણ હજાર, મકાનભાડાના ત્રણ હજાર અને અન્ય ખર્ચ મળીને ઓછામાં ઓછા 10 હજાર ‚પિયા તો મારે જોઈએ ને જોઈએ જ, અને એ વખતે દસ હજારની વાત જવા દો, મારી પાસે તો 5000નાં પણ ફાંફા હતાં. પરિણામે મોટા ભાગના કિસ્સાઓમાં બને છે તેમ હું પણ મારા ગામ પાછો આવી ગયો, ત્યાં જ પ્રેક્ટિસ ચાલુ રાખી. ક્યારેક ક્યારેક આ બધાથી એટલો તો નાસીપાસ થઈ જતો. અને વિચારતો કે આ બધી પળોજણને હંમેશાં માટે અલવિદા કહી દઉં, કારણ કે જ્યારથી હું આ ક્ષેત્રમાં આવ્યો છું ત્યારથી સામાન્ય માણસોની વાત જવા દો, મોટા-મોટા ખેલ અધિકારીઓ દ્વારા પણ વારંવાર એવું મહેસૂસ કરાવવામાં આવતું કે, જાણે મેં સ્વિમર બનવાનો નિર્ણય કરી બહુ મોટી ભૂલ કરી દીધી હોય! છતાં પણ હું હિંમત ન હાર્યો. છેવટે એક સંસ્થાએ મારો તમામે તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી અને મારા કિસ્મતનું પાનું બદલાયું, બાદમાં હરિયાણા સરકાર પણ આગળ આવી. એક બાદ એક મળી રહેલ પ્રોત્સાહને મારા આત્મવિશ્ર્વાસમાં અનેકગણો વધારો કર્યો અને હું એક પછી એક આંતર્રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતવા લાગ્યો. હવે રમોત્સવમાં પદક મેળવ્યા બાદ તે કહે છે કે, અન્ય દેશોના વિકલાંગ ખેલાડીઓની માફક આપણા દેશના ખેલાડીને આગળ વધારવા બને તેટલા પ્રયાસો કરવા જોઈએ તે કહે છે કે, હું જાણુ છું કે એક વિકલાંગ ખેલાડીને કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે. તે કહે છે કે જ્યારે કોઈ વિકલાંગ ખેલાડીની મજાક કે અપમાન થાય છે ત્યારે તેને માનસિક રીતે કેવો આઘાત પહોંચે છે એની મને જ ખબર છે. જો આ ખેલાડીઓને પણ યોગ્ય સુવિધાઓ આપી તેમનામાં રહેલી ખેલભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવશે તો તેમને પણ જીવન જીવવા માટે એક મકસદ, કારણ મળશે. તેઓ પોતાના પગના જોરે નહીં તો કમસે કમ આત્મવિશ્ર્વાસના જોરે જ ઊભા રહી શકવા સમર્થ બનશે અને એ બહાને ભારતને કેટલાંક પદક પણ મળી જશે. પ્રશાંત કહે છે કે આજે હું જે સ્થાને છું તે સ્થાને પહોંચતાં મને 15 વર્ષનો સમય લાગ્યો છે, પરંતુ મને ખાતરી છે કે આ દેશના મારા જેવા અન્ય ખેલાડીઓને ઉચ્ચ કોટીની સુવિધા અને પ્રોત્સાહન મળશે તો તેઓને આ સ્થાને પહોંચતાં આટલો સમય ક્યારેય નહીં લાગે.કોમનવેલ્થ બાદ પ્રશાંતનું હવે પછીનું મિશન લંડનમાં યોજાનાર આલિમ્પિક રમતોત્સવ છે અને તેના માટે કહે છે કે તેમાં મારે મહેનતની સાથે સાથે દેશવાસીઓના સાથ અને સહકારની પણ જ‚ર છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.