બાય બાય કોમનવેલ્થ, ઓવર ટુ એશિયાડ


બાય બાય કોમનવેલ્થ, ઓવર ટુ એશિયાડ


કોમનવેલ્થ ગેમ્સમાં ઉદ્ઘાટનથી લઈને સમાપ્ન સુધી ભારતે રંગ રાખ્યો. હવે 20મી કોમનવેલ્થ ગેઈમ્સ ચાર વર્ષ પછી સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં યોજાવાની છે. એટલે આમ તો શીર્ષક ‘બાય બાય દિલ્હી, ઓવર ટુ ગ્લાસ્કો’ સારું લાગે પણ અહીં ‘ઓવર ટુ એશિયાડ’ એટલા માટે લખાયું છે કે હવે પછીના ગણતરીના દિવસોમાં તા. 12 થી 17 નવેમ્બરે ચીનના ગ્વાંગ્ઝ શહેરમાં 16મી એશિયાડ રમતોનું આયોજન થવાનું છે. અત્યાર સુધીમાં એશિયાડ રમતોમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નથી. માત્ર 1982માં ઘરઆંગણે યોજાયેલી એશિયાડ રમતોમાં ભારતના ખેલાડીએ થોડું સારું કહેવાય એવું પ્રદર્શન કર્યું હતું. હવે જ્યારે કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યુ છે તો એશિયાડ રમતો માટે પણ ભારતના લોકોને આશા જન્મી છે. કોમનવેલ્થ ગેઈમ્સ અને એશિયાડ રમતોની વાત કરીએ તો કોમનવેલ્થ ગેઈમ્સમાં 71 દેશોના 7000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 17 રમતો માટે 828 મડલો માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ. ભારતના ખેલાડીઓએ કોમનવેલ્થ દરમિયાન 70 દેશોના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અને ઓસ્ટ્રેલિયા પછી બીજા નંબરનું સ્થાન મેળવ્યું. આ 70 દેશોમાં યુરોપ, આફ્રિકા, એશિયાના ઘણા દેશો સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો તથા કેરેબિયાઈ દ્વીપ્ના ઘણા દેશોનો સમાવેશ થાય છે.એશિયાડ રમતોની વાત કરીએ તો તે માત્ર એશિયાના 45 જેટલા દેશો વચ્ચે જ યોજાશે. કોમનવેલ્થમાં 17 રમતો હતી જ્યારે એશિયાડમાં 42 રમતો રમાશે. કોમનવેલ્થ ગેઈમ્સમાં રમાયેલી ઘણી રમતો એશિયાડ રમતોમાં જોવા નહિ, મળે પણ બીજી ઘણી નવી રમતો આપણને એશિયાડમાં જોવા મળશે. કોમનવેલ્થ ગેઈમ્સમાં કુલ 272 ગોલ્ડ મડલ માટે સ્પર્ધા જામી હતી, પણ એશિયાડ ગેઈમ્સમાં 476 ગોલ્ડ મડલ માટે સ્પર્ધા જામશે. મહત્ત્વની વાત એ છે કે ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો પણ એશિયાડ ગેઈમ્સમાં જોવા મળશે. એ વાત અલગ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તેમાં ભાગ નહિ લે. આ ઉપરાંત કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબાલ, બેસબાલ, શતરંજ, ગોલ્ફ તલવારબાજી, ઘોડેસવારી, પોલો, જુડો, કરાટે, સોફ્ટબાલ અને નૌકાયન જેવી રમતો એશિયાડમાં જોવા મળશે.એશિયાડ રમતોમાં ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 15 વાર એશિયાડ ગેમ્સ યોજાઈ છે, તેમાંથી જાપાન આઠ વાર અને ચીન સાત વાર નંબર વન રહ્યું છે. આ બંને દેશો પછી એશિયાડ ગેઈમ્સમાં દ. કોરિયાનું સ્થાન આવે છે. ભારતની વાત કરીએ તો 1951ની એશિયાડ ગેઈમ્સમાં ભારત બીજા નંબરે રહ્યું હતું. જેમાં ભારતે 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મડલ સાથે કુલ 51 મડલ મેળવ્યા હતા. ત્યાર પછી 1982માં એશિયાડ ગેઈમ્સ ભારતમાં યોજાઈ હતી. તે વખતે મડલ મેળવવામાં ભારત પાંચમા નંબરે રહ્યું હતું.કોમનવેલ્થ ગેઈમ્સમાં કુલ 17 રમતોમાંથી 11 જેટલી રમતોમાં ભારતે મડલો મેળવ્યા છે, તેથી એશિયાડ રમતોમાં ભારતની મડલ મેળવવાની સંભાવનાઓ વિશે વાત કરીએ તો ચીન, જાપાન અને દ. કોરિયા જેવા દેશો ભારતને ટક્કર આપે તેવા છે. પણ તેમ છતાં કોમનવેલ્થ ગેઈમ્સની સફળતા બાદ હોકી, ટેનિસ, શતરંજ, ગોલ્ફ, કુસ્તી, વેઇટલિફ્ટિંગ, શૂટિંગ અને બોક્સિંગ જેવી રમતો, ભારતના ખેલાડીઓ સફળતા મેળવે તેવી સંભાવના વધી ગઈ છે.કોમનવેલ્થ ગેઈમ્સમાં તો કલમાડી એન્ડ કંપ્નીના કારણે ભ્રષ્ટાચાર અને વિલંબ થયો પણ 16મી એશિયાડ ગેઈમ્સ માટે ચીન અત્યારથી જ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. ‘ચીનનું ગ્વાંગઝ શહેર રમતો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે,’ તેવી ઘોષણા પણ ચીને કરી દીધી છે. 16મી એશિયાડ ગેઈમ્સ માટે ચીને 420 બિલિયન ડોલર (લગભગ 19 અરબ ‚પિયા)નો ખર્ચ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કોમનવેલ્થ ગેઈમ્સના ભારતના ખેલાડીઓના જુસ્સા પછી એશિયાડમાં આ જુસ્સો દેખાશે કે કેમ? બાકી કોમનવેલ્થ ગેઈમ્સમાં 101નો શુભ અંક મેળવી આપણા ખેલાડીઓ તો કહી જ દીધું કે હૈ તૈયાર હમ...

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.