ગુજરાતની તસવીરકળાનો દસ્તાવેજ ‘તસવીર : અમરત્વનું કૌશલ્ય’

ગુજરાતની તસવીરકળાનો દસ્તાવેજ

‘તસવીર : અમરત્વનું કૌશલ્ય’

તસવીરનું આકર્ષણ આબાલવૃદ્ધ સહુને હોય છે. કુતૂહલ, જિજ્ઞાસા, અતીતનું સ્મરણ, પ્રિયની સ્મૃતિ, ગમતું સ્થળ, ગમતાં પશુપંખી, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક ઇમારતો ઇત્યાદિનું દર્શન માનવ માત્રના સ્વભાવમાં પડેલો અદ્ભુત અંશ છે. તસવીર જોતાં જ આંખ ત્યાં સ્થિર થઈ જાય છે. મન જોતાં ધરાતું નથી! એમાંય તસવીર મનભાવન હોય ત્યારે વારંવાર એ જોયા કરવાનો લોભ માણસ રાખે છે. ગુજરાતમાં તસવીરકળા અર્થાત્ ફોટોગ્રાફી બે પ્રકારે જોવા મળે છે. વ્યવસાય‚પે અને શોખ‚પે. વ્યવસાયમાં પ્રત્યેક વ્યક્તિની ફોટોગ્રાફી કરવી પડે. વળી એમાં કાયમ કળાનું પાસું બળવાન ન પણ હોય. જ્યારે શોખથી થતી ફોટોગ્રાફીમાં કળાનું તત્ત્વ જ ઊડીને આંખે વળગે.કમેરાની શોધ એ અન્ય શોધો જેટલી જ મૂલ્યવાન શોધ હતી. એમાં વીતેલી ક્ષણનું પ્રત્યક્ષીકરણ જોવા મળે છે. જે સમય ગયો છે તે પાછો નથી આવતો, પરંતુ કમેરો એ સમયને કેદ કરી લે છે અને પુન: એ કાળમાં લઈ જાય છે. 1840ની આસપાસ તસવીરો કંડારવાનું પ્રારંભાયેલું. 

1857ના સંગ્રામના ફોટાઓ એ કાળને જીવંત કરી દે છે, તો જનસામાન્યના ફોટાઓ સમાજનું દર્શન કરાવે છે. ગુજરાતની સમાજવ્યવસ્થાનો અભ્યાસ કરનાર પાસે ફોટાઓ હોય તો બદલાતા સમાજની તાસીર-તસવીર પામી શકાય. લગ્ન નિમિત્તે કે અન્ય માંગલિક પ્રસંગોએ પાડેલા ફોટાઓ લગ્નની પ્રથાનું દર્શન કરાવે. આમ, ફોટોગ્રાફી એ ઇતિહાસને પ્રત્યક્ષ કરતી અદ્ભુત કળા છે.ભલે આ કળા અંગ્રેજોએ પહેલાં હસ્તગત કરી પણ ભારતમાં - ગુજરાતમાં આ કળાનો પ્રવેશ વીસમી સદીના પ્રારંભે થયો હતો. એ કાળના અનેક ફોટાઓ એની સાક્ષી પૂરે છે. એક કાળે ‘નિહારિકા’ જેવી સંસ્થાએ ફોટોગ્રાફીની કળાને ગુજરાતમાં વિકસાવી હતી. અને તે સમયે થતી સ્પર્ધામાં ગુજરાતનું દર્શન થતું. ભાત-ભાતની તસવીરો કંડારાતી. કાળના પ્રવાહમાં અનેક ફોટોગ્રાફરો ગુજરાતમાં થયા અને એમની બહુમૂલ્ય - આમ તો અમૂલ્ય તસવીરોથી અતીત સચવાઈ રહ્યો.ગુજરાતની ફોટોગ્રાફીના અભ્યાસીઓના ચાહક શૈલેષ રાવલે વર્ષોના પરિશ્રમ પછી ગુજરાતમાં જે ફોટોગ્રાફરો થયા તેમની તસવીરોને આધારે ‘તસવીર : અમરત્વનું કૌશલ્ય’ એ નામે રંગીન તેમજ શ્યામ-શ્ર્વેત ફોટાઓ સાથેનું પુસ્તક તૈયાર કર્યું અને ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા એનું પ્રકાશન થયું. 

આવું સરસ પ્રકાશન કર્યું તે માટે માહિતી ખાતાને અભિનંદન આપવાં ઘટે. આ માત્ર તસવીરોનું સંકલન નથી, પરંતુ ગુજરાતની ઝાંખી કરાવતું નયનરમ્ય પ્રકાશન છે. ગુજરાતમાં કેટલાય ફોટોગ્રાફરો છે તેનો આ નાનકડો કોશ છે.શૈલેષ રાવલે પોતાની સાથે 81 ફોટોગ્રાફરોના નોંધપાત્ર ફોટાઓ અહીં મૂક્યા છે. સાથે ફોટોગ્રાફરનો ફોટો પણ છે અને જે તે ફોટોગ્રાફરના ફોટા વિશેની નાની નિબંધાત્મક નોંધ મૂકી છે. આમ આ ગુજરાતના ફોટોગ્રાફરોનો કોશ છે. અહીં કર્નલ બળવંત ભટ્ટ, શ્રીદામ ભટ્ટ, જગન મહેતા જેવા ન ભુલાય તેવા ફોટોગ્રાફરની કળાનો પરિચય થાય છે. ગુજરાતનું જનજીવન ને પ્રકૃતિની તસવીરો આ સંગ્રહમાં છે. હોમાઈ વ્યારાવાળા જેવી મહિલા વિશે જાણવા મળે છે. પ્રાણલાલ પટેલ, જ્યોતિ ભટ્ટ, ઝવેરીલાલ મહેતા, હેમેન્દ્ર શાહ, આનંદ પટેલ, જી. એચ. માસ્ટર, વિવેક દેસાઈ જેવા અનેક નામી તસવીરકારોની તસવીરનો મહામૂલો પ્રસાદ શૈલેષ રાવલે ગુજરાતની પ્રજા સમક્ષ ધર્યો છે. તેમાંના ઘણા ફોટોગ્રાફરો વિશે શૈલેષ રાવલે સાધનાની કટારમાં લખ્યું છે.અહીં એક કાળના ઉત્તમ ફોટોગ્રાફરોની સમૂહ તસવીરો જોવા મળે છે તો અંબાજી-બહુચરાજી જેવા શક્તિતીર્થ પરિસરની તસવીર મનને પલ્લવિત કરે છે.

હોમાઈ વ્યારાવાળાની તસવીર ભારતના ઇતિહાસનું સુવર્ણપાનું છતું કરે છે. શૈલેષ રાવલે માત્ર સંકલન કર્યું નથી, પરંતુ પ્રત્યેક ફોટોગ્રાફરની વિશિષ્ટતા સાથે કળાનું પાસું પણ ધ્યાનમાં રાખ્યું છે. તસવીર સાથેની નોંધમાં એમનો અનુરાગ વર્તાય છે. તસવીરકાર સાથેના સંબંધને પણ ક્યારેક વ્યક્ત કરે છે.અહીં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને તસવીરકાર તરીકે રજૂ કરીને એમના વ્યક્તિત્વના નોખા પાસાનું દર્શન કરાવ્યું છે. તસવીરકળાના ચાહકે આ પુસ્તક વસાવવા જેવું છે. ગુજરાતનું દર્શન કરવા ઇચ્છનાર માટે પણ આ પુસ્તક ખપ્નું છે. તો ફોટોગ્રાફરોની યાદી ગુજરાતની ફોટોગ્રાફીનો અભ્યાસ કરનાર માટે એટલી જ ઉપયોગી છે. ટૂંકમાં ગુજરાતની તસવીરકળાનું આ દસ્તાવેજી પુસ્તક છે.એ આજનું છે એટલું જ ગઈકાલનું પણ છે અને આવતીકાલ માટે પણ કામનું છે. શૈલેષ રાવલે અનોખું કામ કર્યું છે. ગુજરાત એમનું ઋણી રહેશે. એમને અભિનંદન અને સલામ... સલામ...

‘તસવીર : અમરત્વનું કૌશલ્ય’
શૈલેષ રાવલ
98250 72718

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.