
ઘણાં વર્ષે સ્વામી વિવેકાનંદને ભારતનું દર્શન કરવાની ઇચ્છા થઈ અને તાજેતરમાં તેઓ ભારત આવી ગયા. સ્વામીજીએ દેશમાં ખૂબ પરિવર્તન થયેલું જોયું. લોકો દોડધામ કરતા હતા. કોઈને જાણે નિરાંત કે ફુરસદ જ ન હતાં. સૌના મોઢા પર તંગ રેખાઓ દેખાતી હતી. સર્વત્ર ભાગદોડ. ભીડમાં પણ માણસ એકલવાયો લાગતો હતો. માત્ર સ્વામીજીના મોં પર જ નિરાંત અને જિજ્ઞાસાના ભાવ દેખાતા હતા.
સ્વામીજીએ પોતાના પ્રવાસની શ‚આત પોતાને પ્રિય બંગાળની ભૂમિથી કરી. સ્વામીજીએ સ્વર્ગમાં સાંભળ્યું હતું કે કલકત્તાના એક ચોકમાં તેમની મૂર્તિ મુકાઈ હતી, તેથી સ્વામીજી પોતાની મૂર્તિ જોવાની ઇચ્છાથી કલકત્તાના એ ચોકમાં ગયા. તો ત્યાં તો કોઈ બીજી જ મૂર્તિ હતી, સ્વામીજીએ એક બંગાળી સજ્જનને પૂછ્યું, ‘‘બાબુ મોશાય, સ્વામી વિવેકાનંદ નામના એક સાધુની મૂર્તિ અહીં હતી તે ક્યાં ગઈ?’’ બંગાળી બાબુએ સ્વામીજી સામે જોયું, પણ સ્વામીજી ઘણાં વર્ષો બાદ પાછા ભારત આવેલ હોવાથી તેમના ચહેરામહોરામાં ઘણો ફેરફાર થઈ ગયો હતો તેથી તેમને ઓળખવા અઘરા હતા.
તેણે કહ્યું, ‘‘એ મૂર્તિ તો આ શહેરના કમ્યુનિસ્ટ કાર્પોરેટરો બુલડોઝરથી અહીંથી ખેંચીને લઈ ગયા!’’
‘‘તો પછી એ જગ્યાએ દેખાય છે તે કોની મૂર્તિ છે?’’
‘‘લોકો એને લેનિનના નામે ઓળખે છે, પણ મને કંઈ ઝાઝી ખબર નથી કે આ લેનિન કોણ હતા. અહીંના કમ્યુનિસ્ટો કહે છે કે આ તેમના ક્રાન્તિગુરુ છે જે આ દેશમાં પેદા નથી થયા.’’ જવાબ સાંભળી સ્વામીજી ખિન્ન થઈ ગયા.
બંગાળ છોડી સ્વામીજી તિરુપતિનાં દર્શને ગયા. થાકીને એક ઓટલે બેઠા હતા ત્યાં એક યુવાન આવી ચડ્યો અને ઓટલે બેઠો. સ્વામીજીના મનમાં હતું કે આ યુવાન ચોક્કસ તેમને ઓળખી જશે એટલે બોલ્યા, ‘‘મિત્ર, મને ઓળખ્યો? લોકો મને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે.’’ આંખો પટપટાવી યુવકે ઓળખવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને પછી બોલ્યો, ‘‘વિવેકાનંદ! અરે, વિવેકાનંદને તો આખું આંધ્ર ઓળખે છે, પણ તેઓ આવાં ભગવાં કપડાં તો પહેરતા નથી જ.’’
‘‘તો તેઓ કેવો પોશાક પહેરે છે?’’ સ્વામીજીએ પૂછ્યું.
‘‘અરે મહાશય, વિવેકાનંદ તો આંધ્ર સરકારમાં મિનિસ્ટર બની ગયા છે. તેમનું નામ સ્વામી વિવેકાનંદ નહીં, પણ વિવેકાનંદ રેડ્ડી છે. તેઓ સદ્ગત વાય. એસ. આર. રેડ્ડીના સગા થાય. જગન રેડ્ડી સાથેનો છેડો ફાડી તેઓ કિરણ રેડ્ડીના પ્રધાનમંડળમાં જોડાઈ ગયા છે. હું તેમને ઓળખું છું. આપ્ને તો ક્યાંય જોયા હોય તેવું લાગતું નથી.’’ સ્વામીજીને એક ઓર ધક્કો લાગ્યો.
સ્વામીજી ટ્રેનમાં દક્ષિણનો પ્રવાસ કરતા હતા. ટ્રેનમાં સામેની પાટલી પર બેઠેલા એક ટીખળી સજ્જન સ્વામીજીને ટીકી ટીકીને જોતા હતા. સ્વામીજીને થયું કે આ માણસ ચોક્કસ મને ઓળખતો હશે તેથી હસીને સ્વામીજી બોલ્યા, ‘‘લોકો મને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે.’’ પેલા સજ્જને કહ્યું, ‘‘થોડા સમયથી સ્વામી નિત્યાનંદનું નામ વર્તમાનપત્રમાં વાંચું છું... મને થયું કદાચ આપ જ સ્વામી નિત્યાનંદ હશો, પણ આપ તો કોઈ બીજા જ સંન્યાસી નીકળ્યા, પણ આપ્ને એક વાત કહી દઉં કે હમણાં હમણાં સ્વામીજીઓ ઉપર સરકારની તવાઈ ચાલે છે એટલે મારી તો આપ્ને સલાહ છે કે આપ આપ્નો પરિચય હવે ‘સ્વામી’ના નામથી ના આપશો, નહીં તો ઉપાધિ આવી પડશે અને એક બીજી વાત કહી દઉં કે આવાં ભગવાં કપડાં પહેરીને દિલ્હી તો ન જ જતા હોં! અને કદાચ જાઓ તો રાહુલ ગાંધી કે દિગ્વિજયની નજરે ના ચઢતા.’’
‘‘કેમ ભાઈ, આ દિગ્વિજય કોણ છે?’’
‘‘અરે એ તો તૂનપૂરકા સુપરહીરો ફિલ્મના ગપ્પી લહેરી છે.’’
‘‘કંઈ સમજાયું નહીં, ભાઈ.’’
‘‘ભગવા રંગમાં આતંકવાદ જોવાની બૂરી લત આ મહાશયમાં છે. તમને આ નેતાઓ હિન્દુ આતંકવાદી માની જેલમાં ઠુસી પણ દે. એકાદ બાઁબ બ્લાસ્ટના કેસમાં સંડોવી દઈ અસીમાનંદની સાથે વિવેકાનંદને પણ બેરેકમાં પૂરી દે ભાઈ, અને સીબીઆઈના લોકો મારી મારીને ધડાકા કર્યાની કબૂલાત પણ કરાવી દે.’’
‘‘એટલે જગતના કલ્યાણની કામના લઈ ભ્રમણ કરનાર સાધુને અહીં આ પવિત્ર ધરા પર આતંકવાદી તરીકે ઓળખવામાં આવે છે? એટલે શું હું વિશ્ર્વધર્મ પરિષદમાં એક હિન્દુ આતંકવાદી તરીકે ગયો હતો એમ? શું આ દેશના બધા સાધુ સંન્યાસીઓ આતંકવાદી બની ગયા છે એમ?’’
‘‘હા સ્વામીજી, તેમની નજરે તો એવું જ છે. એટલે જ હું આપ્ને ગંભીરપણે કહું છું કે હવે તમારી આ ભગવી લૂંગી પહેરીને તો જાહેરમાં ફરશો જ નહીં, કારણ કે મુન્ની બદનામ હો ગઈ... સારી, લૂંગી બદનામ હો ગઈ હૈ.’’
‘‘અરે મિત્ર, લૂંગી જ એક એવું પહેરણ છે જેને કોઈ ખિસ્સું હોતું નથી તેથી લૂંગી બદનામ થાય જ કેવી રીતે?’’
‘‘અરે સ્વામીજી, એ. રાજા નામના એક નેતાએ ખિસ્સા વગરની લૂંગીમાં ટુ-જી સ્પેક્ટ્રમનો કરોડોનો માલ ભરી દીધો એ તમને ખબર છે? એક તાજેતરની શાયરી સંભળાવું? શાયર કહે છે કે, ‘જેબ નહીં હોતી ધોતી, કફન ઔર લૂંગી મેં, ફિર ભી રાજા લે જાતા હૈ કરોડો બાંધ કે લૂંગી મેં.’’ સ્વામીજી, 2010નું વર્ષ કૌભાંડોના વર્ષ તરીકે ઊજવી શકાય તેવું છે.’’
‘‘અધધ, દેશનો શતમુખ વિનિપાત દેખાય છે.’’
‘‘પણ સ્વામીજી, હવે તમે ક્યાં જવાના?’’ સજ્જને પૂછ્યું.
‘‘કશ્યપ ઋષિના કાશ્મીરમાં. ત્યાં પ્રકૃતિની ગોદમાં મારે એક મઠ સ્થાપવો છે.’’
‘‘ઓ બાપલિયા, કાશ્મીર તો હવે હાથમાંથી જવા બેઠું છે. ઓમર કહે છે કે કાશ્મીર ભારતનો ભાગ જ નથી અને વળી એણે તો હમણાં ચોખ્ખુંચટ્ટ ચોપડાવી દીધું કે જો લાલચોકમાં ભાજપવાળા પ્રજાસત્તાક દિને ત્રિરંગો ફરકાવશે અને ત્રાસવાદીઓ કંઈ બબાલ કરશે તો તેની જવાબદારી મારી નહીં. મહેરબાની કરી ત્રિરંગો ફરકાવવાનું બંધ રાખો.’
શું વાત છે? આ દેશમાં ત્રિરંગો ફરકાવવાની મનાઈ! પણ સરકાર આ ત્રાસવાદીઓને ગોળીએ કેમ દેતી નથી?’’
‘‘સ્વામીજી, અત્યારે આ દેશની પરિસ્થિતિ જુદી જ થઈ ગઈ છે. આ દેશમાં તમે બે માણસોને મારી નાંખો તો તમારા પર ખૂન કેસ થાય અને 200ને મારો તો સરકાર મંત્રણા માટે તમને બોલાવે. સરકાર આ ત્રાસવાદીઓ સાથે મંત્રણા કરી રહી છે.’’
‘‘ગજબની પરિસ્થિતિ છે આ દેશમાં.’’
‘‘માટે જ સ્વામીજી, કાશ્મીર જવાનું માંડવાળ કરો અને મઠ સ્થાપવાનો તો સપ્નામાં યે વિચાર ના કરતા, કારણ કે અહીંની સરકાર માને છે કે મઠો આતંકવાદના અડ્ડા છે.’’
‘‘શું વાત કરો છો? આ હિન્દુ દેશની આ સ્થિતિ!’’
‘‘અને, હા સ્વામીજી, આપ મઠ બાંધવાનો વિચાર છોડી અલીગઢ યુનિવર્સિટીની કોઈક શાખા સ્થાપવાનો વિચાર કરો તો તરત મંજૂરી મળી જાય હોં!’’
‘‘શું વાત છે બંધુ, અલીગઢની મંજૂરી?’’
‘‘હા, હમણાં જ સોનિયાજીએ બિહારમાં નીતિશની ઝાટકણી કાઢતાં કહ્યું કે, ‘અમે અલીગઢ યુનિવર્સિટીની ઠેર ઠેર શાખાઓ ખોલવા માંગીએ છીએ, પણ નીતિશ જમીનની મંજૂરી જ નથી આપતા.’ માટે જો તમે જમીન મેળવી શકો તો અલીગઢી કાલેજ તરત મળી જાય.’’
‘‘અરે ભાઈ, મારી મજાક ન કરો. તમે એટલું તો સમજો કે હું ત્યાં યુવાનોને ધર્મના સંસ્કાર આપવા માટે એક આદર્શ મઠની સ્થાપ્ના કરવા માગું છું.’’
‘‘શાંતમ્ પાપમ, શાંતમ્ પાપમ્, સ્વામીજી, હવે વચન આપો કે આપ કદી ‘આદર્શ’ શબ્દનું ઉચ્ચારણ નહીં કરો. આ મુંબઈની ‘આદર્શ સોસાયટી’ના કૌભાંડે ‘આદર્શ’ શબ્દનાં છોતરાં ઉખેડી નાખ્યાં છે સ્વામીજી. જૂઠ બોલે કૌઆ કાટે. આ મહારાષ્ટ્રના આ હરામી નેતાઓ અને અધિકારીઓ કારગીલના શહીદોની વિધવાઓના ફ્લટ ખાઈ ગયા છે. સ્વામીજી, આ દેશનો પાપ્નો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે.’’
‘‘વત્સ, મઠની વાત જવા દે. જરા મંદિરની વાત કરીએ. બોલ રામમંદિરનું કેટલે આવ્યું?’’
‘‘બાપજી, અખિલ બ્રાંડના નાથ એવા પ્રભુ શ્રીરામ માટે આ દેશની અદાલતે 35 ચોરસ ફૂટની જગ્યા રહેમરાહે ફાળવી છે. જુઓ તો ખરા કે આ દેશનું રાષ્ટ્રપતિ ભવન પચાસ હજાર ફૂટમાં પથરાયેલું છે અને રામજી માટે માત્ર 35 ફૂટ? આ હિન્દુ સંસ્કૃતિનું શું થવા બેઠું છે?’’
‘‘ચિંતા ન કર વત્સ. સૌ સારાં વાનાં થશે. પ્રભુ શ્રીરામનું આંખો મીંચીને સ્મરણ કરો તો તમને શ્રીરામના ધનુષ્યનો ટંકાર સંભળાશે. એ વિજય ટંકાર છે.’’
‘‘સ્વામીજી, વળી પાછું તમે પેલા ચિદમ્બરમ્ જેવું બોલ્યા.’’
‘‘ચિદમ્બરમ્ શું બોલ્યા હતા?’’
‘‘હમણાં જ ચિદમ્બરમ્ે કહ્યું કે તમે આંખો મીંચીને રાહુલને સાંભળો, તો તમને રાજીવ ગાંધી બોલતા હોય તેવું લાગશે.’’
‘‘તો પછી તમે આંખો બંધ કરીને રાહુલને સાંભળ્યા?’’
‘‘રાહુલને નહીં, પણ રાજીવ ગાંધીને સાંભળ્યા તો ક્વાત્રોચી બોલતા હોય તેવું અમને લાગ્યું.’’
‘‘આ ક્વાત્રોચી વળી કોણ છે?’’
‘‘બાફોર્સની કટકી ખાઈને ઇટાલી ભાગી જનાર સોનિયાજીનો સગો.’’
‘‘શરમ... શરમ... સાચે જ આ દેશ લૂંટાઈ રહ્યો છે.’’
અને ટ્રેન એક સ્ટેશન પર થોભી તો પ્લટફાર્મના પછવાડેના હાલમાંથી એક ગીત સાંભળી સ્વામીજીએ પેલા સજ્જનને પૂછ્યું, ‘‘બંધુ, સામેના ભવનમાંથી જવાનીને આહ્વાન આપતું કોઈ શૌર્યગીત મને સંભળાય છે. તું પણ ધ્યાનથી સાંભળ.’’
‘‘સ્વામીજી, આ ગીત સાંભળવા જેવું નથી.’’
‘‘કેમ? જુઓને આ સાંઘિક ગીત ગાતાં ગાતાં યુવાનો કેવા જોશમાં નાચે છે?’’
‘‘સ્વામીજી, એ ‘શીલાકી જવાની’વાળું ગીત છે. જવાનીને જગાડનાર કોઈ સંચલન ગીત નથી. પ્રભુ, આ તો જુવાનીને દીવાની કરવાવાળું ફિલ્મી ગીત છે.’’
‘‘સાચે જ વત્સ, મને લાગે છે કે દેશનું યૌવનધન બરબાદ થઈ રહ્યું છે. હું નિશ્ર્ચય કરું છું કે હવે હું કદી ભારતના પ્રવાસે નહીં આવું. આ દેશમાં કશું જ આશાજનક મને દેખાતું નથી.’’
અને આમ સ્વામીજી પ્રવાસ કરતા કરતા કર્ણાવતી આવ્યા. સ્વામીજી લાઇબ્રેરીમાં બેસી વર્તમાનપત્ર વાંચતા હતા ત્યાં તેમની બાજુની ખુરશીમાં એક નવયુવક આવીને બેસી ગયો. સ્વામીજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, ‘‘બંધુ, મને ઓળખ્યો?’’
‘‘ના... હા... પણ મને લાગે છે તમે ગુજરાતના વાયબ્રન્ટ કાર્યક્રમમાં નેપાળથી આવ્યા હોય તેવું આ ભગવાં કપડાં પરથી લાગે છે.’’
‘‘ના વત્સ, મને ન ઓળખ્યો? લોકો મને.... (એકદમ પેલા ટ્રેનના સાથીદાર સજ્જને કહેલી વાત યાદ આવી ગઈ કે - ‘તમે સ્વામી શબ્દથી તમારો પરિચય ન આપતા) તેથી સ્વામીજી અટકીને ફરી બોલ્યા, ‘‘લોકો મને નરેન્દ્રના નામે ઓળખે છે.’’
ઝટ દઈને પેલા નવયુવકે કહ્યું, ‘‘બાસ, માત્ર બે જ નરેન્દ્રને ગુજરાત ઓળખે છે. એક નરેન્દ્ર મોદી અને બીજા...’’
‘‘બીજા કોણ?’’ કદાચ પોતાનું નામ બોલશે તેવી અપેક્ષાએ સ્વામીજીએ પૂછ્યું,
‘‘બીજા ડા. નરેન્દ્ર અમીન.’’
એટલામાં તો કોલાહલ શ‚ થયો. ‘સ્વામી વિવેકાનંદ અમર રહો’ના નારા સાથે સેંકડો યુવક, યુવતીઓ, નાગરિકો, નેતાઓ હાથમાં પુષ્પમાળા લઈ લાઇબ્રેરીની સામે બ્રિજના છેડે મુકાયેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પહાર કરવા ઊમટી પડ્યા.
સ્વામીજી બોલ્યા, ‘‘હા, આજે 12 જાન્યુઆરી છે. આજે મારો જન્મદિન. આજે તો મારે ચોક્કસ હરખાવું પડશે.’’
ખુરશી પરથી ઊભા થઈ બારીમાંથી સ્વામીજી આહ્લાદક દ્શ્ય જોઈ રહ્યા હતા. પોતાના માટેની સાચુકલી અને અપાર ભક્તિનાં દર્શન તેમણે પોતાના આ પ્રવાસમાં પહેલીવાર કર્યાં. સ્વામીજીનું મન પુલકિત થઈ ઊઠ્યું. તેમણે બાજુમાં ઊભેલા એક યુવાનને પૂછ્યું, ‘‘આ બધા લોકો કોણ છે?’’
‘‘બાસ, આ બધા એબીવીપીના યુવકો છે. શહેરના દેશભક્ત લોકો છે. આ એબીવીપી દેશભરમાં ભારતભક્તિ જગાવવાનું કામ કરે છે.’’
અને થોડીવારમાં શહેરની શાળાનાં હજારો બાળકો હાથમાં વિવેકાનંદની તસવીરના પ્લકાર્ડ લઈ ‘સ્વામી વિવેકાનંદ અમર રહો’ના નારા બોલતાં બોલતાં સરઘસ આકારે શહેરના માર્ગો પર ચેતના પાથરી રહ્યા હતા. સ્વામીજી આ ઊગતી પેઢીના સંસ્કારો જોઈ આનંદમગ્ન બની ગયા. તેમણે બાજુમાં ઊભેલા સજ્જનને પૂછ્યું, ‘‘આ બધાં બાળકો કઈ સંસ્થાના છે?
સજ્જને કહ્યું, ‘‘આ બધા વિદ્યાભારતીની અનેક શાળાઓના વિદ્યાર્થી છે. વિદ્યાભારતી આ દેશના બાળકોમાં દેશભક્તિના સંસ્કારો રેડે છે. દેશભરમાં સંખ્યાબંધ શાળાઓ આ કાર્ય કરી રહી છે.’’
એટલામાં ઘોષવાદનનો અવાજ સંભળાયો. સેંકડો સ્વયંસેવકો ગણવેશમાં અને હાથમાં દંડ સહિત ઘોષના નાદ સાથે તાલ મિલાવતા શહેરના માર્ગ પર પસાર થઈ રહ્યા હતા અને એમના માર્ગ પર સેંકડો નરનારીઓ ‘ભારત માતા કી જય’ના નાદ સાથે પુષ્પ્ની પાંખડીઓ વરસાવી રહ્યાં હતા. સ્વામીજીએ પૂછ્યું, ‘‘આ શિસ્તબદ્ધ ચાલતા લોકો કોણ છે?’’
પેલા સજ્જને કહ્યું, ‘‘લોકો એમને RSSવાળા તરીકે ઓળખે છે. અમારી દ્ષ્ટિએ આ લોકો દેશની એકમાત્ર આશા છે, પણ કેટલાક નેતાઓને આ દેશભક્તોમાં સીમીનાં દર્શન થાય છે.’’
આ દ્શ્યો જોઈ સ્વામીજીના મનની તમામ નિરાશા દૂર થઈ ગઈ હતી. પ્રફુલ્લિત હૃદયે સ્વામીજી બોલી ઊઠ્યા, ‘‘બંધુ, યાદ રાખજે કે વર્તમાન સરકારની સંસ્કૃતિ ટુ-જીની છે, પણ હિન્દુ સંસ્કૃતિ ફાર-જીની છે અને આ ફાર-જીની સંસ્કૃતિનો જ દેશમાં ડંકો વાગશે. ટુ-જીનો નહીં.’’
‘‘સ્વામીજી, આ ટુ-જી તો સમજાઈ ગયું, પણ આ વળી ફાર-જીની સંસ્કૃતિ એટલે શું?’’
‘‘સમજાયું નહીં વત્સ? ફોર જી એટલે ગાય, ગંગા, ગીતા અને ગાયત્રી. થઈ ગયા ફોર જી.?’’
‘‘અફલાતૂન... અફ્લાતૂન આઈડિયા, સ્વામીજી.’’
‘‘માટે જ બંધુ, હવે હું ફરીથી પણ ભારતની મુલાકાતે આવીશ. અવશ્ય આવીશ. મારો આ સંકલ્પ છે.’’
જતાં જતાં પેલા મશ્કરા યુવકે રમૂજમાં કહ્યું, ‘‘સ્વામીજી, આપ ચોક્કસ ફરીથી આવજો, પણ સાથે ડુંગળી, લસણ અને થોડી શાકભાજી પણ લેતા આવજો હોં.’’
ટિપ્પણીઓ નથી: