રજા એકેડેમીના પડકારને ઝીલનાર મરાઠી મર્દ   રાજ ઠાકરે




મુંબઈમાં આઝાદ મેદાનમાં 11 આગસ્ટે થયેલા હિંસાચાર અને પોલીસ તથા મીડિયા પરના હુમલાના વિરોધમાં
21 આગસ્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે... એમએનએસ)ના વડા રાજ ઠાકરેએ ગિરગામ ચોપાટીથી આઝાદ મેદાન સુધી પોલીસ પરવાનગી વિના રેલી કાઢી, આઝાદ મેદાનમાં સભા કરી અને સભામાં એક લાખ કરતાં પણ વધારે લોકોની સામે માત્ર

20 મિનિટની સ્પીચ આપી રજા એકેડેમીએ કરેલા પડકારને ઝીલી મર્દ સાબિત થયા.


આસામ, મુંબઈ, બેંગલુરુ અને પૂણેનાં તોફાનોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો જવાબદાર છે, તેમ છતાં અનેક રાષ્ટ્રીય નેતાઓ ચૂપ છે. આવા સમયે રાજ ઠાકરેએ બેધડક થઈને બાંગ્લાદેશીઓને ભારતમાંથી તગેડી મૂકવાની વાત જાહેરમાં કરી છે. રાજની આ કઈ રાજનીતિ છે? રાજ ઠાકરે બિહારી અને ઉત્તરમાંથી આવતા લોકોનો વિરોધ કર્યો છે. પણ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો વિરોધ કરી રાજ ઠાકરેએ રાષ્ટ્રીય મુદ્દાને જનતા સમક્ષ મૂક્યો છે. લોકો કહે છે કે રાજ ઠાકરે હવે મરાઠી કાર્ડ છોડી હિન્દુત્વનું કાર્ડ રમવા માગે છે. જે હોય તે પણ આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું શક્તિપ્રદર્શન અને તેની માત્ર 19 મિનિટની સ્પીચ ઘણુંબધું કહી જાય છે. રાજની આ સ્પીચ પછી મુંબઈના પોલીસ કમિશનર અરૂપ પટનાઈકની હકાલપટ્ટી પણ થઈ ચૂકી છે. 11 આગસ્ટે આઝાદ મેદાનમાં જે કંઈ પણ થયું હતું તેનો રોષ જરૂર મુંબઈગરાઓના મનમાં ધધકતો હતો. રાજ ઠાકરેની રેલી દ્વારા આ રોષ બહાર આવ્યો છે અને રાજના આક્રમક ભાષણે આ રોષને વધુ આક્રમક બનાવ્યો છે. શું બોલ્યા રાજ ઠાકરે... તમે પણ વાંચો... થોડા ભાષણના મુદ્દા...

- મહારાષ્ટ્રના સામાન્ય નાગરિકો, પોલીસો અને મહિલાઓ કે પછી અન્ય કોઈ સામે ખરાબ નજરથી જોયું તો ખબરદાર... એકે-એકને અમે ત્યાં જ ફોડી નાખીશું.
- હું કોઈ જાતિ-ધર્મના વિરોધમાં નથી પણ જે મારા મહારાષ્ટ્ર તરફ ખરાબ નજરથી જોશે તેને હું છોડીશ નહીં... પછી ભલે ને કોઈપણ જાતિ, ધર્મનો કેમ ન હોય?
- હું હિન્દુત્વનો પ્રચાર નથી કરતો, હું માત્ર મહારાષ્ટ્ર ધર્મમાં જ માનું છું.
- કાયદો-વ્યવસ્થાની રક્ષા કરનારા આપણા પોલીસકર્મીઓ પર હુમલો કરવાની હિંમત તેમનામાં કેવી રીતે આવી? તેમને કોનું સમર્થન છે?
- હિંસા કરનારાઓને રેલીનું આયોજન કરવાની પરવાનગી મળે છે પણ અમને લોકશાહીના માર્ગે વિરોધ દર્શાવતાં અટકાવવામાં આવે છે... હવે આવું નહિ ચલાવી લેવાય...
- રઝા એકડમીનો રેકોર્ડ કાઢો. ભિવંડીમાં તોફોનો કોણે કર્યાં? રઝા એકડમીએ. રઝા એકડમનીને અબૂ આઝમીનું સમર્થન છે.
- અબુ આઝમીએ મુંબઈની હિંસામાં મૃત્યુ પામેલા મુસ્લિમ યુવાનોને દોઢ લાખ રૂપિયાની મદદ કરી તો પછી અમારા પોલીસને તે કેમ મદદ આપતો નથી?
- અબુ આઝમીના ભડકાઉ ભાષણના કારણે જ ભિવંડીમાં મુસલમાનોએ બે પોલીસ કોન્સ્ટેબલને મારી નાખ્યા હતા.
- એનો અર્થ એ થયો કે મુંબઈનાં તોફાનોનો પડઘો લખનૌમાં જોવા મળે છે. એની પાછળનું કારણ એ છે કે ત્યાંના હજારો લોકો મુંબઈમાં આવીને પોતાના મહોલ્લા અને અડ્ડાઓ તૈયાર કરી રહ્યા છે.
- આવા અડ્ડાઓના જોર પર, મુંબઈમાં બનાવટી પાસપોર્ટના આધારે બાંગ્લાદેશીઓ ઘૂસી આવે છે. આ બાંગ્લાદેશી મુસલમાનોએ જ મુંબઈમાં હિંસા ફેલાવી હતી.
- આવા અડ્ડાઓના જોરે જ અબુ આઝમી મહારાષ્ટ્રમાં બે વિધાનસભાની સીટમાં જીતી શક્યો છે.
- બાબરી મસ્જિદની પ્રતિક્રિયા મુંબઈમાં જોવા મળતી હતી. હવે આસામમાં થયેલાં તોફાનોની પ્રતિક્રિયા મુંબઈ, પછી બિહાર, ઝારખંડ, લખનૌમાં જોવા મળી રહી છે.
- હકીકત તો એ છે કે મુંબઈમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ છુપાયેલા છે.

ભાષણ અને રેલીમાં જોડાયેલા હજારો સમર્થકોથી સંકેત મળે છે કે રાજ ઠાકરેએ આ રેલી દ્વારા શું મેળવ્યું છે અને શું ખોયું છે. મુંબઈમાં મુસ્લિમોના આતંકવાદ સામે અન્ય પક્ષો ઉપરાંત શિવસેનાએ પણ રેલી કાઢી હતી પણ પ્રજાનું સમર્થન મળ્યુ નહિ. સંજોગોમાં રાજ ઠાકરેએ ગિરગાંવથી આઝાદ મેદાન સુધીની જે રેલી કાઢી તેનાથી હિન્દુઓમાં જરૂર આશાનું કિરણ પ્રગટ્યું હતું. પણ તેના 20 મિનિટના ભાષણમાં રાજના હિન્દુત્વના એજન્ડા તરફના ઝુકાવનું બાળમરણ થયું હતું. રાજે સંપૂર્ણ ભાષણ મરાઠીમાં કર્યું. ભારતની તમામ ન્યૂઝ ચેનલો રાજ ઠાકરેનું લાઇવ કવરેજ કરી રહી હતી, દેશભરમાં કરોડો લોકો રાજને સાંભળવા માગતા હતા ત્યારે રાજે મરાઠીમાં ભાષણ આપી એ સાબિત કરી દીધું કે તેને હિન્દુત્વના એજન્ડામાં નહિ, માત્ર ‘મરાઠી માણૂસ’માં જ રસ છે. રાજ માત્ર મરાઠીત્વનું જ રાજકારણ ખેલવા માગે છે, કદાચ તેને ડર છે કે જો તે હિન્દુત્વ તરફ વળશે તો તેને કટ્ટર મરાઠી મતદારોના વોટ નહિ મળે. તેમણે સંબોધન પણ ‘માઝે મરાઠી બંધુ ભગિની’ કર્યંુ હતું. સરવાળે એમણે પ્રાદેશિકવાદને જ પ્રાથમિકતા આપી હોવાના આક્ષેપ પણ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ કાઁગ્રેસ તેમજ રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ભૂતકાળમાં રાજે તોફાનો માટે તેમને જવાબદાર ગણી પૃથ્વીરાજનું રાજીનામું માગ્યું હતું. તાજેતરમાં પૂણેમાં થયેલા વિસ્ફોટ રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેની વાત પણ રાજે કરી નથી. 1999થી મુંબઈનું ગૃહ ખાતું એનસીપી હસ્તક હોવા છતાં તેની પણ ટીકા રાજે કરી નથી. રાજે પોતાનું ભાષણ ખૂબ ટૂંકમાં જ પતાવી દીધું. રાષ્ટ્રીય નેતાથી લઈને અનેક લોકોને રાજના આ ટૂંકા ભાષણથી ભારે આશ્ર્ચર્ય થયું. તેમનું માનવું છે કે રાજ ઠાકરે પાસે અનેક મુદ્દાઓ હતા. વિશાળ મેદની સામે આ મુદ્દાઓની ચર્ચા કરવાનો તેમની પાસે મોકો હતો. રાજ ઠાકરેએ આ મોકો ગુમાવ્યો છે.

સ્વરાજ ઠાકરે... ઉર્ફે રાજ ઠાકરે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેનાં તમામ આક્રમક લક્ષણો તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે કરતાં ભત્રીજા રાજ ઠાકરેમાં વધુ ઊતર્યાં છે. ફાયરબ્રાંડ રાજ ઠાકરે એક સમયે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના રાજકીય વારસ ગણાતા હતા પણ અંતે બાળ ઠાકરેએ શિવસેનાનું સુકાન ઉદ્ધવને સોંપતાં રાજ ઠાકરે નારાજ થયા અને શિવસેના છોડી દીધી ને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) નામના રાજકીય પક્ષની સ્થાપ્ના કરી. પછી તો રાજે જે મરાઠી કાર્ડ વાપર્યું તે જગજાહેર છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રાજનું સાચું નામ સ્વરાજ ઠાકરે છે. તેનો જન્મ 14 જૂન, 1968ના રોજ શ્રીકાંત કેશવ ઠાકરેના ઘરે થયો હતો. શ્રીકાંત ઠાકરે બાળાસાહેબના નાના ભાઈ છે. રાજ ઠાકરેના પિતા એક સારા સંગીતકાર, કાર્ટૂનિસ્ટ અને ઉર્દૂ ભાષાના સારા જાણકાર હતા. તેમણે કેટલીક મરાઠી ફિલ્મો પણ બનાવી છે. રાજની પત્નીનું નામ શર્મિલા છે અને તેને એક પુત્ર અને એક પુત્રી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે પોતે એક સારા કલાકાર છે. રાજે સ્નાતકનું શિક્ષણ સર જે. જે. કાલેજ આફ આર્ટમાંથી પૂરું કર્યું. પિતા અને કાકાની જેમ રાજ પણ એક સારા કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર છે. ફોટોગ્રાફીમાં તેમને રસ છે. રાજ ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તે રાજનીતિમાં ન હોત તો તે વોલ્ટ ડિઝની સ્ટુડિયોમાં કાર્ટૂનિસ્ટ હોત અથવા ફિલ્મો બનાવતા હોત.

રાજે બતાવ્યો બાંગ્લાદેશી પાસપોર્ટ...

રાજ ઠાકરેએ લીલા રંગનો એક પાસપોર્ટ દેખાડીને દાવો કર્યો હતો કે આ બાંગ્લાદેશી પાસપોર્ટ 11 આગસ્ટે આઝાદ મેદાનમાં થયેલાં તોફાનો પછી ત્યાંથી પોલીસને મળી આવ્યો હતો. રાજ ઠાકરેએ આઝાદ મેદાનમાં જમા થયેલી એક લાખ કરતાં વધુ લોકોની મેદની વચ્ચે દાવો કર્યો હતો કે તેમના હાથમાં બાંગ્લાદેશી માણસનો પાસપોર્ટ છે અને પછી તેમણે આ પાસપોર્ટ ગ્રાઉન્ડમાં ફેંકી દીધો હતો.

કોન્સ્ટેબલે મચાવ્યો ખળભળાટ

કોન્સ્ટેબલ પ્રમોદ તાવડેએ સ્ટેજ પર જઈને રાજ ઠાકરેનું અભિવાદન કર્યું હતું અને તેમને ગુલાબનું ફૂલ આપ્યું. તેણે 11 આગસ્ટે થયેલાં તોફાનોમાં 45 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી એ બદલ રાજ ઠાકરેએ આપેલા સપોર્ટ માટે તેમનું અભિવાદન કર્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટના ભાયખલા વાયરલેસ સાથે સંકળાયેલા પ્રમોદ તાવડેએ આ સ્ટેપ શા માટે લીધું એ વિશે તેણે કહ્યું હતું કે મને આનંદ છે કે રાજ ઠાકરેએ અમને સપોર્ટ કર્યો. બધાનાં યુનિયનો છે પણ અમારી સમસ્યાઓ રજૂ કરવા અમારું યુનિયન નથી. વકીલોનું, ડાક્ટરોનું, ઈવન અમારા ઉચ્ચ અધિકારીઓ એવા આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) આફિસરોનું યુનિયન છે અને દિલ્હીમાં તો પોલીસનું પણ યુનિયન છે.

પ્રમોદ તાવડે પહેલાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો હતો. 2010ની 13 આગસ્ટે તેને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ઓરેન્જ ગેટ પાસે ડ્યુટી માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનોએ તેમની ટ્રક રોન્ગ લેનમાં પાર્ક કરતાં તેમની વચ્ચે આ બાબતે વિવાદ થતાં સીઆઈએસએફના જવાનોએ તેની અને તેના કલીગની મારઝૂડ કરી હતી. એથી પ્રમોદ તાવડેએ આ સામે યલો ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મારઝુડ કરનારા સીઆઈએસએફના જવાનો પર સ્ટ્રિક્ટ એક્શનની માગણી માટે પ્રમોદ તાવડેએ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી હતી અને ગૃહપ્રધાન આર. આર. પાટીલને પણ જાણ કરી હતી. તેણે જ્યારે પર્સનલી મળી આ બાબતે તેના સિનિયરોને રજૂઆત કરી ત્યારે તેમણે તેની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તું તો સુભાષચંદ્ર બોઝ જેવો દેખાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેને જબરદસ્તીથી જે. જે. (જમશેદજી જીજીભોય) હાસ્પિટલમાં માનસિક અસ્વસ્થ કહી સારવાર માટે દાખલ કરી દીધો હતો. તેણે મુખ્ય પ્રધાનને પણ છ મહિના પહેલાં લેટર લખ્યો હતો પણ તેમના તરફથી પણ કોઈ જવાબ નથી આવ્યો.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.