ઑલિમ્પિકમાં સુવર્ણપદક... કુછ બાત હૈ કિ દાલ ગલતી નહીં હમારી




આપણા આદર્શવાદી, શિસ્તબદ્ધ, હૃષ્ટપૃષ્ટ યુવાનો કેમ ઑલિમ્પિકમાં મેડલ મેળવી શકતા નથી ?
-  આપણી પાસે સ્પોટ્ર્સ કલ્ચર નથી, શાળામાં વ્યાયામનો તાસ છે પણ સ્પોટ્ર્સ ગાયબ છે.
-  ત્રણ મહિનાની પ્રેક્ટિસથી વિશ્ર્વ ચેમ્પિયન ન બનાય.
-  ખો-ખો, કોથળા દોડ, લીંબુચમચીની રમતમાંથી આપણી શાળાઓએ બહાર આવવું પડશે.
-  ચેમ્પિયન બનવું હોય તો અનેક યાતનાઓ ભોગવવી પડે.

121 કરોડની વસ્તી અને લંડન ઑલિમ્પિકમાં એક પણ ગોલ્ડ મેડલ સિવાય માત્ર છ મેડલ ! ભારત માટે આ ગૌરવની વાત છે? 121 કરોડની વસ્તીમાં ચેમ્પિયનોની કેમ અછત છે? સ્પોટ્ર્સમાં ભારત કેમ પાછળ છે? શું કરે છે આપણા ખેલાડીઓ અને સરકાર? આવો થોડું મંથન કરીએ...

અમેરિકાની વસ્તી આશરે બત્રીસ કરોડ છે અને તેણે અત્યાર સુધીમાં ઑલિમ્પિકમાં કુલ 2399 મેડલ જીત્યા છે. જેમાં 974 ગોલ્ડ મેડલ છે.હ ચીનની વસ્તી 135 કરોડની છે અને તેણે અત્યાર સુધીમાં ઑલિમ્પિકમાં કુલ 473 મેડલ જીત્યા છે જેમાં 201 ગોલ્ડ મેડલ છે. હ બ્રિટનની વસ્તી માત્ર છ કરોડની  છે અને તેણે 780 મેડલ જીત્યા છે, જેમાં 236 ગોલ્ડ મેડલ છે. હ રશિયાની વસ્તી હાલ આશરે 15 કરોડ છે અને તેણે પણ 134 ગોલ્ડ મેડલ સહિત 407 મેડલ જીત્યા છે. હ જર્મનીની વસ્તી આઠ કરોડની છે અને તેણે 411 ગોલ્ડ મેડલ સહિત 1304 ઑલિમ્પિક્સ મેડલ જીત્યા છે. હ ભારતની વસ્તી 121 કરોડની છે અને ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ મેડલ સાથે માત્ર અને માત્ર 26 જ મેડલ મેળવ્યા છે!

- 121 કરોડની વસ્તીમાંથી કેમ કોઈ ચેમ્પિયન બનતો નથી?
- ભારત કરતાં ઓછી વસ્તી અને શક્તિ ધરાવતા દેશો પણ આપણા કરતાં વધારે ચેમ્પિયન પેદા કરી રહ્યા છે!
- શું ભારતના યુવાનોનાં બાવડાંઓમાં વિશ્ર્વ ચેમ્પિયન બનવાની ક્ષમતા નથી?
- સંસ્કાર, શારીરિક સ્વાસ્થ્ય, બધી રીતે પશ્ર્ચિમી યુવાનો કરતાં ઉચ્ચ કક્ષાના ગણાતા આપણા યુવાનો કેમ ઑલિમ્પિકમાં પાછળ રહી જાય છે?
- આપણે જેને વંઠેલી પ્રજા કહીએ છીએ તે પ્રજાના યુવાનો કેમ સંસ્કારવાન, શિસ્તવાન યુવાનોને પછાડી ગોલ્ડ મેડલ જીતી લાવે છે?
- આવા તો અઢળક પ્રશ્ર્નો લંડન ઑલિમ્પિક પછી મનમાં ઊભા થયા છે. આ પ્રશ્રોના જવાબ ક્યાં હોઈ શકે? ક્યાં કમી રહી જાય છે? આજે ભારતે આ વિચારવાની જરૂર છે.

...વાતોનાં વડાં ન ચાલે!!


માત્ર વાતો કરવાથી વિશ્ર્વ ચેમ્પિયન ન બની જવાય. દરરોજ થાકી જવાય એટલી મહેનત કરી પરસેવો પાડવો પડે. ક્યાં છે ભારતમાં આવા યુવાનો? આપણે માત્ર ચેમ્પિયન બનવાની વાતો જ કરીએ છીએ, ચેમ્પિયન બનવા કે બનાવવા જે કરવું જોઈએ એ આપણે કરતા નથી. પશ્ર્ચિમી યુવાનો કરતાં ભારતના યુવાનો આદર્શવાદી છે, સંયમી છે, હેલ્ધી છે એવી વાતો તો આપણે વિશ્ર્વમંચ ઉપર કરીએ છીએ પણ તેમ છતાં કેમ આ પશ્ર્ચિમના યુવાનો (જેને આપણે વંઠેલી પ્રજા કહીએ છીએ) વિશ્ર્વ ચેમ્પિયન બની રહ્યા છે. ક્યાં છે આપણા કસાયેલી કાયા ધરાવતા ચેમ્પિયન? શિસ્તબદ્ધ, મર્યાદાપૂર્વક અને નોર્મલ લાઇફ જીવનારા આપણા યુવાનો કેમ ચેમ્પિયન બની શકતા નથી? સીધી વાત છે કે ભારતમાં સ્પોટ્ર્સ કલ્ચર નથી.

આપણે ત્યાં હંમેશાં ‘સગવડોનો અભાવ’નું કારણ આગળ ધરી દેવાય છે. આપણા ખેલાડીઓને યોગ્ય સગવડ મળતી નથી માટે તે ચેમ્પિયન બની શકતા નથી. પણ આ વાતમાં બહુ દમ નથી. એવા ઘણા દેશ છે જ્યાં લોકોને ખાવાના ફાંફાં છે પણ તેની માટીમાંથી પણ અનેક ચેમ્પિયન પેદા થયા છે. સગવડ કરતાં મહેનત વધુ જરૂરી છે. તન-મન-ધન અને લક્ષ્ય મેળવવાની ઇચ્છાશક્તિથી જો મહેનત કરવામાં આવે તો સગવડ નડતર બનતી નથી. પણ આપણે ત્યાં પહેલાં સગવડ જોવામાં આવે છે. આપણા ખેલાડીઓને ઑલિમ્પિકના ત્રણ મહિના પહેલાં સુધી તો એ ખબર હોતી નથી કે તે ઑલિમ્પિકમાં ભાગ લેવાનો છે કે કેમ? ઑલિમ્પિક આવે એટલે માત્ર ત્રણ મહિના માટે આપણા ખેલાડીઓ બધું કામ મૂકી જે-તે રમતની પ્રેક્ટિસ કરવા લાગે છે. માત્ર ત્રણ મહિનાની પ્રેક્ટિસથી વિશ્ર્વ ચેમ્પિયન ન બનાય.

બધું કામ છોડી સતત અને સખત મહેનત કરવી પડે, જેવું અન્ય દેશોના ખેલાડીઓ કરે છે. હંમેશાં આ ખેલાડીઓ પોતાની રમત પ્રત્યે સજાગ હોય છે. તેમની રમતમાં ફેરબદલ કરવા તૈયાર હોય છે. રાત-દિવસ જોયા વિના આખી જિંદગી તેની રમતના યજ્ઞમાં આ ચેમ્પિયનો હોમી દે છે. ત્યારે બનાય છે ચેમ્પિયન. રમતમાં રાષ્ટ્રધ્વજ રાતોરાત ન ફરકાવાય. એ દેશને એવું ગૌરવ અપાવવા પોતાની જાતને જે-તે રમતમાં તાવી નાખવી પડે. પણ એવું ભારતમાં ખૂબ ઓછા ખેલાડીઓમાં જોવા મળે છે. એનાં ઘણાં કારણો પણ છે.
ભારતમાં સ્પોટ્ર્સ કલ્ચરનો અભાવ!

ક્રિકેટ સિવાય આપણને કેટલી રમતો વિશેનું જ્ઞાન છે? અરે જ્ઞાનની વાત છોડો કેટલી રમતનાં નામ આપણે બોલી શકીએ? શૂટિંગ, કુસ્તી, ટેનિસ, તિરંદાજી, બેડમિન્ટન, લોંગ જમ્પ, રનીંગ, બોક્સિંગ બસ... એક-બે ઑલિમ્પિક્સને બાદ કરીએ તો આ રમતોમાં પણ આપણે કંઈ કાઠું કાઢી શક્યા નથી. હા થોડી પ્રગતિ જરૂર થઈ છે! હવે જે રમતનાં નામ (માત્ર નામ છે!) જાણીએ છીએ તેમાં હાલત આવી હોય તો બાકી રમતોમાં આપણે ક્યાં હોઈએ? આપણે ‘કાયક’ નામની રમતનું નામ સાંભળ્યું છે? લગભગ નહિ! (જાણતા હો તો વાંધો નહિ, બાકી ભારતમાં એવા ખૂબ લોકો છે!) બેઝબોલ, બાસ્કેટબોલ, સાયકલિંગ, સ્વિમિંગ, ડાઇવિંગ, જીમ્નાસ્ટિક, જુડો, રાવિંગ, સેલિંગ, સોફ્ટબાલ, ટ્રાયથ્લોન, ટેધક્વોન્ડો, વાટર પોલો, ટેબલ ટેનિસ, હેન્ડબોલ... આવી ઘણી રમત છે જેમાં ભારતના યુવાનોએ હજુ શરૂઆત પણ કરવાની બાકી છે. આવામાં કઈ રીતે બની શકાય રમતની દુનિયાના વિશ્ર્વ ચેમ્પિયન?

શિક્ષણપદ્ધતિમાં વ્યાયામ છે પણ સ્પોટ્ર્સ નથી!

રમતને પ્રોત્સાહન આપ્નારી શાળાઓ કેટલી? આજે લગભગ દરેક શાળાની એક ક્રિકેટ ટીમ હોય છે પણ અન્ય રમતોનું શું? નેશનલ લેવલની ટુર્નામેન્ટનું આયોજન કરતી હોય એવી શાળા આપણે ત્યાં કેટલી? બધી જગ્યાએથી શરમ આવે તેવા જ જવાબ મળશે. આપણી શાળાઓમાં વ્યાયામ (પી.ટી.) નો એક તાસ જરૂર રાખવામાં આવે છે, પણ પી.ટી.ના આ તાસમાંથી સ્પોટ્ર્સ ગાયબ છે. ખો-ખો, લંગડી અને લીંબુચમચીમાંથી આપણે આપણા વિદ્યાર્થીઓને બહાર જ આવવા દેવા માગતા નથી. આપણે રમતને માત્ર આનંદ માટે જ સ્વીકારી છે. સ્પોટ્ર્સમાં કેરિયર ન બને એવું આપણે માની લીધું છે. દરેક માબાપ આજે એવું ઇચ્છે કે મારો દીકરો ક્રિકેટર બની જાય એટલે બસ! બાકીની રમતમાં તો ભૂખે મરવાનો વારો આવે! આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે ભણવામાં મારો દીકરો-દીકરી 99 ટકા જ લાવે પણ સાથે સાથે કોઈ રમતમાં વિશ્ર્વ ચેમ્પિયન પણ બને! એવું કોણ વિચારે છે ? આપણા સૌની મેન્ટાલીટી જ એવી ઘડાઈ ગઈ છે કે ‘ભણતરના ભોગે ‘રમત’ નહિ’ ભણશો તો જ આગળ વધશો. કૂદકા મારવાથી જીવન નહિ જીવાય. અને જીવન એટલે લક્ઝરી ખાઓ, પીઓ ને મઝા કરો. આ મેન્ટાલીટી બદલવી પડશે. આપણા લોકોને કોણ સમજાવશે કે વિશ્ર્વ ચેમ્પિયન બનવા અઢળક મહેનત કરવી પડે. દસમા બોર્ડમાં નંબર... અને રમતમાં પણ ચેમ્પિયન... આ શક્ય નથી. સચિન તેંડુલકરે જો દસમા ધોરણનો અભ્યાસ કર્યા પછી માત્ર આગળ ભણવાનું વિચાર્યું હોત તો તે આજે ક્રિકેટનો ચેમ્પિયન ન બની શક્યો હોત. હોકી પ્લેયર ધનરાજ પિલ્લે પાસે એક ડિગ્રી નથી પણ તેમ છતાં તેને 25 વર્ષની ઉંમરે પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારત રમતમાં પાછળ છે તો તેનું કારણ આપણી શિક્ષણપદ્ધતિ છે. ચેમ્પિયન બનવું હોય તો બાળપણથી સંસ્કાર આપવા પડે. આપણી શાળામાં રમતને કોઈ સ્થાન નથી... કદાચ એટલે જ આપણાં  બાળકોને બે-ચાર રમત સિવાય બીજી રમતોનાં નામ પણ ખબર નથી.

આપણા જીવનમાં ફિટનેસને કેટલું સ્થાન?

આપણે ફ્ટિનેસપ્રિય લોકો નથી. હા હવે, 21મી સદીમાં આપણે થોડા ઘણા ફ્ટિનેસપ્રિય થયા છીએ પણ એ પણ બાવડા અને સીક્સ પેક બનાવવા પૂરતા જ! સીક્સ પેક બોડી એટલે ફ્ટિનેસ - આપણે ત્યાં ફ્ટિનેસનો આ જ અર્થ થાય છે. 25 કિ.મી. દોડી જવું અને તોય થાકવું નથી, સડસડાટ ગીરનાર ચઢી જવો અને થાકવું નહિ એ ફ્ટિનેસની આજે કોઈ વાત કરતું નથી. બધાને સુંદર દેખાવા પૂરતું જ શરીર બનાવવું છે. કદાચ એટલા માટે જ આપણી લાઇફસ્ટાઇલમાં સ્પોટ્ર્સને અનુરૂપ ફ્ટિનેસની જગ્યા જ નથી. આપણામાંથી કેટલા દરરોજ ‘બોડી વર્કઆઉટ’ કરવા મેદાનમાં જાય છે? વિદેશી લોકો એક રીતે આમાં આપણાથી આગળ છે. આપણે વિશ્ર્વ ચેમ્પિયન જેવી ફ્ટિનેસ બનાવવા મહેનત કરતા નથી પણ સુવિધાઓના અભાવની વાતો કરી બેસી રહીએ છીએ. આપણા યુવાનોએ એ જાણી લેવું જોઈએ કે એવા ઘણા દેશ છે જેની પાસે ભારત જેટલી પણ પ્રાથમિક સુવિધાઓ કે શિક્ષણ નથી, છતાં દર વર્ષે અસલી રમતગમત કહેવાય એવી સ્પર્ધાઓમાં આવા દેશના ખેલાડીઓ અવ્વલ રહે છે. કેન્યાના લોકો ગરીબ છે છતાં રનિંગમાં ત્યાંના ખેલાડીઓ બધે બાજી મારી જાય છે અને આપણે કહીએ છીએ કે ગરીબ દેશના લોકો મેચ જીતી, રનીંગ કરી પૈસા કમાઈ રહ્યા છે. એની 25 મીટર દોડવાની ક્ષમતાને આપણે સ્વીકારતા નથી. બસ, આપણને તરત પૈસા જ દેખાય છે. માટે રમતમાં સવાલ માત્ર ‘સગવડ’નો નહિ ફ્ટિનેસનો છે.

ભારતે અન્ય દેશો પાસેથી પ્રેરણા લેવી જોઈએ?

ભારત કરતાં ખૂબ ઓછી વસ્તીવાળા અને અત્યંત ગરીબ દેશ પણ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી બતાવે છે. અમેરિકા હોય કે રશિયા હોય, બ્રિટન હોય કે જાપાન હોય બધા ભારત કરતાં આગળ છે. આ તો ઠીક પણ આસ્ટ્રેલિયા, રોમાનિયા, કોરિયા, સ્વીડન, નેધરલેન્ડ, હંગેરી, ટર્કી, ક્યુબા, પોલેન્ડ, થાઇલેન્ડ જેવા ખોબલા જેવડા દેશો પણ આ બાબતે ભારતથી આગળ છે. એમાંય વળી ચીનનું તો પૂછવું જ શું? ચીન વસ્તીમાં ભલે ભારત કરતાં આગળ હોય પણ મેડલમાં પણ ખૂબ આગળ છે. 1984ના ઑલિમ્પિક પહેલાં ચીન પાસે ઝીરો ગોલ્ડ મેડલ હતા. 1984માં ચીને 15 ગોલ્ડ મેડલ જીત્યા અને હાલ અત્યાર સુધીના બધા મળીને તેઓ 201 ગોલ્ડ મેટલ સહિત કુલ 473 મેડલ જીત્યા છે. ચીનની આ સફળતા બાદ મીડિયામાં અનેક નેગેટિવ વાતો ચીન વિશે બહાર આવી. ચીન બાળકોને અનેક યાતનાઓ આપી મેડલ જીતવા ટ્રેઇન કરે છે, પણ વિશ્ર્વ ચેમ્પિયન બનવું હોય તો યાતનાઓ તો સહન કરવી જ પડે ને! ચીનની આ યાતનાઓની વાત થાય છે પણ ચીનમાં વિશ્ર્વ ચેમ્પિયન પેદા કરવા શું કરાઈ રહ્યું છે તેની કોઈ ચર્ચા કરતું નથી. ચીન સરકારે 100 ટકા સરકારી ફંડથી ચીનમાં એક-બે નહિ પણ 1600 જેટલી રમતગમતની સ્કૂલો ઊભી કરી છે, જેનો ઉદ્દેશ માત્ર વિશ્ર્વ ચેમ્પિયનો પેદા કરવાનો છે. અહીં બાળક ચાર-પાંચ વર્ષનું થાય ત્યારથી ટ્રેઇનિંગ લેવાની શરૂ કરી દે છે. એક અંદાજ પ્રમાણે ઈ.સ. 2004માં એથેન્સમાં યોજાયેલી ઑલિમ્પિકમાં ખેલાડીઓને તૈયાર કરવા પાછળ ચીનની સરકારે આશરે 300 કરોડ ડાલરનો ખર્ચ કર્યો હતો. એથેન્સમાં ચીને કુલ 63 મેડલ મેળવ્યા હતા. એ જ રીતે  અમેરિકા, ફ્રાંસ, લંડન જેવા દેશોમાં પણ બાળકોમાં સ્પોટ્ર્સ કલ્ચર બાળપણથી જ પેદા કરવામાં આવે છે. લંડનમાં 16 વર્ષની ઉંમરે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી યે શિવેન જ્યારે છ વર્ષની હતી ત્યારે તેને સ્પોર્ટિંગ સ્કૂલમાં મોકલવામાં આવી હતી. આ સ્કૂલોમાં ખાવા-પીવા ભણવાનો ખર્ચ સરકારે ઉઠાવ્યો અને તેને ચેમ્પિયન બનાવી. ભારતમાં આવી વિશ્ર્વ કક્ષાની ટ્રેનિંગ આપે તેવી કેટલી સ્પોર્ટિંગ સ્કૂલ છે? આંગળીના વેઢે ગણાય તેટલી! એમાં પણ ભણવા, ટ્રેનિંગ લેવા ખેલાડીઓએ ખર્ચ તો ભોગવવાનો જ!

સ્પોટ્ર્સ અને રાજકારણ

આપણા દેશમાં જાત-મહેનતથી ચેમ્પિયન બની શકે તેવા અનેક મહેનતુ ચેમ્પિયનો છે પણ આવા ચેમ્પિયનો હંમેશાં રાજકારણનો ભોગ બનતા રહ્યા છે. વિશ્ર્વ ચેમ્પિયન બનાવવા આપણા ખેલાડીઓ પાછળ સરકાર કેટલી ગ્રાંટ ફાળવે છે? નહિવત્. અને જેટલી ગ્રાંટ ફાળવાય છે તેમાંથી 80 ટકા તો આપણા અધિકારીઓ જ ચાંઉ કરી જાય છે. આપણે હોકીમાં એક જમાનાના ચેમ્પિયન હતા. આજે જમીન પર છીએ. એવું કહેવાય છે કે ભારતીય હોકી ખેલાડીઓ કુદરતી ઘાસ ઉપર રમવા ટેવાયેલા છે પણ હવે મેદાનમાં ‘કૃત્રિમ ટર્ફ’ પાથરવામાં આવે છે. જેમાં આપણા ખેલાડીઓને ફાવટ નથી. કહેવાય છે કે કુદરતી ઘાસ ઉપર વિવિધ ટેકનિકો અજમાવી શકાય છે, કૃત્રિમ પર નહિ.વળી ‘કૃત્રિમ ટર્ફ’ પર પ્રેક્ટિસ કરવા ભારતમાં લગભગ નહિવત્ હોકીનાં મેદાનો છે. આથી ‘કૃત્રિમ ટર્ફ’ પર આપણા ખેલાડીઓની પ્રેક્ટિસ પણ થતી નથી. હોકી ફેડરેશનના વડાને કોણ સમજાવે કે વિદેશી કોચ લાવવાથી કે દર વર્ષે કોચ બદલી નાખવાથી હોકીમાં વિશ્ર્વચેમ્પિયન ન બનાય. ખેલાડીઓને કૃત્રિમ ટર્ફવાળું મેદાન બનાવી આપવું પડે. ઊગતા ખેલાડીઓને આવું કૃત્રિમ ટર્ફવાળું મેદાન મળશે તો તે હોકીમાં ભારતને ફરી વિશ્ર્વ ચેમ્પિયન બનાવી શકશે પણ આ વાત કોઈ સમજવા તૈયાર નથી. ઑલિમ્પિકના ત્રણ મહિના પહેલાં એની માત્ર ચર્ચા થાય છે, પણ અમલ થતો નથી. આપણે ત્યાં સિલેક્શનનું પોલિટિક્સ વધારે રમાય છે. આ પોલિટિક્સના કારણે પણ આપણા ઘણા વિશ્ર્વ ચેમ્પિયન ઘર સંભાળીને ઘરે બેસી ગયા છે.

અને છેલ્લે...

છેલ્લાં થોડાં વર્ષોમાં આપણા ખેલાડીઓએ પોતાની તન-મન-ધનની મહેનતથી ભારતને વિશ્ર્વકક્ષાએ સફળતા જરૂર અપાવી છે. 2008ના ઓલિમ્પિકમાં ભારતને ત્રણ મેડલ મળ્યા હતા. હાલ 2012માં આ મેડલની સંખ્યા ડબલ થઈ છે, તેમ છતાં વાસ્તવિકતા એ છે કે મેડલ ટેલીમાં ભારતનું નામ એટલું પાછળ હોય છે કે આપણે તે ગોતવું પણ ભારે પડે છે. આપણા કરતાં ગરીબ અને ટચૂકડા દેશ પણ આ મેડલ ટેબલમાં આપણા કરતાં આગળ હોય છે. જો આપણે આપણા ખેલાડીઓને વિશ્ર્વ ચેમ્પિયન બનાવવા હશે તો તે માટે જરૂરી અનેક સુવિધાઓ ઊભી કરવી પડશે. ખેલાડીઓમાં મેડલ જીતવાની ઇચ્છાશક્તિ પેદા કરવી પડશે. જે રમતમાં આશા જણાય તેમાં વધુ મહેનત કરવી પડશે. ડીગ્રીથી જ સારી રીતે જીવી શકાય એ ખ્યાલ બદલવો પડશે. મા-બાપે અને શાળાએ પણ બાળકની રમતની સહજવૃત્તિને પંપાળવી પડે. એક વાત સમજી લેવી પડશે કે સ્પોટ્ર્સ અત્યારે સાયન્સ છે, ટેક્નોલોજી છે, ટ્રેઇનિંગ અને કોચિંગ છે. વર્લ્ડ રેકોડર્સ તોડવા માટે જીનેટિક્સથી કોમ્પ્યુટર સુધીની મદદ લીધા વિના નહિ ચાલે. સ્પોટ્ર્સ ટીવીમાં નહિ, રોજીંદા જીવનમાં છે. ચેમ્પિયન ઘરમાં નહિ મેદાનમાં પેદા થાય છે...

કોચનું અપમાન...

લંડન ઑલિમ્પિકમાં ભારતની તિરંદાજીની ટીમ સાથે કોચ તરીકે ત્રણ વાર ઑલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા રાજસ્થાનના લિમ્બારામ પણ ગયા હતા. પરંતુ હવે ઑલિમ્પિક બાદ અચાનક જ લિમ્બારામ તેમની રાષ્ટ્રીય ટીમને છોડીને ચાલ્યા ગયા છે. એવું કહેવાય છે કે આપણી તિરંદાજીની ટીમ કોચ લિમ્બારામને જરા પણ ગણકારતી નહિ. આપણી વિશ્ર્વ ચેમ્પિયન દીપિકા કુમારીએ તો તેમને ઘણીવાર અપશબ્દો પણ કહ્યા છે. પ્રશ્ર્ન એ થાય છે જો ખેલાડીઓ આ રીતે પોતાના કોચ, ગુરુ સાથે દુર્વ્યવહાર કરે તો તે કઈ રીતે વિશ્ર્વ ચેમ્પિયન બની શકે? ચેમ્પિયન બનવા અનુશાસન અને શિસ્ત જરૂરી છે.

ચેમ્પિયન બનવા?

લંડન ઑલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની ખરાબ હાર બાદ ટીમના કોચ માઇકલ નોબ્સે કહ્યું હતું કે ભારતના કેટલાક ખેલાડીઓ પોતાના નામની આગળ ‘આલિમ્પિયન’ લગાડવા માટે જ રમવા આવે છે. ભારતીય હોકી ટીમના મોટા ભાગના ખેલાડીઓમાં દેશદાઝ નથી. દેશ માટે અંત સુધી લડવાનો ’ઋશલવશિંક્ષલ જાશશિિ’ં નથી. હું એવા સ્પોટ્ર્સ કલ્ચરમાંથી આવું છું જ્યાં પ્લેયર્સ ગ્રાઉન્ડની બાજુમાં જ પોતાનું કોફીન સાથે રાખવા તૈયાર હોય છે.

માઇકલ નોબ્સના આ વાક્ય પરથી એક પાકિસ્તાનનું કાર્ટુન યાદ આવી ગયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે બનવાયું હતું, જેમાં મુશર્રફ ક્રિકેટરો સામે ઈશારો કરતા બતાવે છે કે જો જીતશો તો ફ્લેટ મળશે અને હારશો તો કબર... ચેમ્પિયન બનવા આવી તત્ત્પરતા ખેલાડીઓમાં હોવી જ જોઈએ. આપણા ખેલાડીઓમાં આ સ્પીરીટ ક્યારે આવશે?

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.