દેશમાં જળસંકટ સતત વધી રહ્યું છે ત્યારે , બોતલબંધ પાણીનો કરોડોનો વ્યવસાય, સત્ય શું છે?

water bottle



# હિમાલયા, બિસ્લરી, કિનલે અને એકવાફિના જેવી નામાંકિત બ્રાન્ડો ઉપરાંત બોતલબંધ પાણીનો વ્યવસાય કરવાવાળી અંદાજિત ૨૫૦૦ કંપનીઓ ભારતીય બજારમાં છે.#આંકડાના મતે દુનિયાભરમાં પ્રતિ ત્રણ લીટર બોટલબંધ પાણીની જરૂરિયાતમાં એક લીટરનો ઉપયોગ એશિયન ક્ષેત્રમાં થાય છે.


આજકાલ બોતલબંધ પાણીનો વ્યવસાય ધૂમ મચાવી રહ્યો છે. કરોડોના આ વ્યવસાયમાં દેશને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની છણાવટ પ્રસ્તુત છે આ લેખમાં...

બોતલબંધ પાણીના રાજધાની ગતિએ વધતા બજારને જોતાં એ સવાલ વાજબી થઈ જાય છે કે પાણી આવી ક્યાંથી રહ્યું છે? જોકે દેશમાં જળસંકટ સતત વધી રહ્યું છે. આ વ્યવસાય માટે દેશભરમાં જમીન નીચેથી દર વર્ષે કેટલું પાણી કાઢવામાં આવી રહ્યું છે તેનો સાચો આંકડો નથી. જળનું આડેધડ દોહન કરવાવાળી કંપનીઓ આના માટે કોઈ ફી પણ ચૂકવતી નથી.

દુનિયાભરમાં બોતલબંધ પાણીનો વ્યવસાય રાજધાની ગતિએ વધી રહ્યો છે. સર્વે બતાવે છે કે આગામી વર્ષ દરમિયાન બોતલબંધ પાણીનું બજાર શીતળ પેય અને એનર્જી ડ્રિંક્સના વ્યવસાયથી પણ વધી જશે.

બેવરેજ માર્કેટ રિસર્ચ કંપનીના મતે ભારતમાં આનાથી વધુ વોટર પ્લાન્ટ સ્થાપવાની જરૂર છે. આંકડાના મતે દુનિયાભરમાં પ્રતિ ત્રણ લીટર બોટલબંધ પાણીની જરૂરિયાતમાં એક લીટરનો ઉપયોગ એશિયન ક્ષેત્રમાં થાય છે. એશિયન દેશોમાં ભારતમાં આ ગતિએ સુપરફાસ્ટ વેગ પકડ્યો છે. અહીં બોતલબંધ પાણીના વ્યવસાયમાં દર વર્ષે વીસ ટકાથી વધુની વૃદ્ધિ જોવામાં આવે છે.

એક રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૩ના અંત સુધી પાણીનું બજાર અંદાજિત દસ હજાર કરોડનું હતું અને વર્ષ ૨૦૧૮ના અંત સુધી અંદાજિત પંદર હજાર કરોડથી વધુ પહોંચી જશે. આ રિપોર્ટ પ્રમાણે આ બજારમાં બિસ્લેરીની સૌથી વધુ ૩૬ ટકા ભાગીદારી છે, જ્યારે કોકાકોલાની બ્રાન્ડ કિનલેની ભાગીદારી ૨૫ ટકા છે અને એકવાફિનાની ૧૫ ટકાની છે. બીજી બ્રાન્ડ અંદાજિત ૨૪ ટકા બજારમાં જગ્યા બનાવવાની સ્પર્ધામાં છે.

બજારના અર્ધા ભાગ એટલે કે અંદાજિત ચાર હજાર કરોડ પર મોટી બ્રાન્ડનો કબજો છે જ્યારે લોકલ બ્રાન્ડની ભાગીદારી અંદાજિત ચોવીસો કરોડ રૂપિયાની છે અને અસંગઠિત ક્ષેત્રનાં બ્રાન્ડોની ભાગીદારી સોળસો કરોડ રૂપિયાની છે. હિમાલયા, બિસ્લરી, કિનલે અને એકવાફિના જેવી નામાંકિત બ્રાન્ડો ઉપરાંત બોતલબંધ પાણીનો વ્યવસાય કરવાવાળી અંદાજિત ૨૫૦૦ કંપનીઓ ભારતીય બજારમાં છે.

વીતેલાં વર્ષોમાં પાણીની મોટી બોતલો (પાંચ લિટરથી મોટી)ની ડિમાન્ડ વધી છે. માનવામાં આવે છે કે આગામી ચાર-પાંચ વર્ષ દરમિયાન મોટી બોતલોનાં પાણીનું બજાર બીજાં બાકીનાં બોતલબંધ બજારની બરોબરી પર આવી જશે. બોતલબંધ પાણીનું બજાર આ ગતિથી વધી રહ્યું છે. તો એક અહ્મ સવાલ ઊભો થાય છે કે આખરે પાણી આવી ક્યાંથી રહ્યું છે, જ્યારે દેશમાં જળનું સંકટ સતત વધી રહ્યું છે? બોતલબંધ પાણીના વ્યવસાય માટે દેશભરની જમીન નીચેથી દર વર્ષે કેટલું પાણી કાઢવામાં આવી રહ્યું છે તેનો કોઈ સાચો આંકડો કે સર્વે આજદિન સુધી મળ્યો નથી.

જળનું આડેધડ દોહન કરવાવાળી કંપનીઓ તેની કોઈ ફી પણ ચૂકવતી નથી. જમીન નીચેથી પાણી કાઢવા માટે કંપનીઓએ ફક્ત સેસ ચાર્જ ચૂકવવાનો હોય છે અને તે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે. આ કારણને લઈને જ બોતલબંધ પાણી બનાવવાવાળી કંપનીઓના પ્લાન્ટોમાં ભૂમિગત જળને મોટા પાયા પર કાઢવામાં આવે છે. આને લઈને દેશભરમાં ઘણા વિસ્તારોમાં જમીન નીચે જળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે અને જળસંકટનો ખતરો વધી રહ્યો છે.

વર્ષ ૨૦૦૯ના સર્વે પ્રમાણે દેશભરમાં ૫૮૪૨ જમીન બ્લોક છે જેમાં ૮૦૨ એવાં ક્ષેત્ર છે જ્યાં જમીન નીચેથી પાણી કાઢવાના કિસ્સામાં સૌથી વધુ દોહન કરવામાં આવે છે. એવામાં ૧૬૯ બ્લોકોની સ્થિતિ ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. જ્યારે ૫૨૩ બ્લોકની સ્થિતિ ખતરનાક સ્તર તરફ વધી રહી છે, જ્યારે ૪૨૭૭ જમીની બ્લોકોને સુરક્ષિત જાહેર કરાયા છે.

આ બધાંની વચ્ચે બોતલબંધ પાણીની ગુણવત્તાને લઈને પણ ઊહાપોહ થતો રહ્યો છે. બોતલબંધ પાણીના વ્યવસાય સાથે જોડાયેલ લોકલ બ્રાન્ડસ આની ગુણવત્તા માટે ખાસ ધ્યાન રાખતા નથી. બજારમાં દરરોજ અસંખ્ય બ્રાન્ડ આવી રહી છે કે દરેકની ગુણવત્તા ચકાસવી ભારતીય માનક બ્યૂરો માટે લગભગ અસંભવ બની ચૂક્યું છે.

ભારતીય માનક બ્યૂરો મિનરલ વોટરના પેકેટમાં રાસાયણિક તત્ત્વની માત્રા ચકાસવાનું કામ કરે છે. આ ઉપરાંત ભારે ધાતુ અને રસાયણની વધુ સીમાને લઈને પણ માનક બ્યૂરોએ એક માનક બનાવ્યો છે, પરંતુ મુશ્કેલી એ છે કે પાણી વેચવાવાળી કંપનીઓ સાવધાની એક-બે લિટરની બોટલોમાં તો રાખે છે પરંતુ વીસ લિટર કે તેથી વધુ પાણીની બોતલોમાં તે આ સાવધાની રાખતી નથી. લોકલ બ્રાન્ડોના પાઉચની ગુણવત્તા બાબતે તો બોલાય તેમ નથી.

દૂષિત પાણીને લઈને દેશમાં દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામી રહ્યાં છે અને અસંખ્ય લોકો ગંભીર બીમારીના શિકાર થઈ રહ્યા છે. સતત શહેરો તથા ગામડાંમાં દૂષિત પાણીની ફરિયાદો રાજધાની ગતિએ વધી રહી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે આ દિશામાં રોકેટગતિએ કામગીરી કરવાની ચારે તરફથી માંગ ઊઠી રહી છે. પાણીની શુદ્ધતા બાબતે આમજનતામાં અનેક સવાલોને લઈને બોતલબંધ પાણીનો વ્યવસાય સતત વેગ પકડી રહ્યો છે. એક લિટર પાણીની બોતલ આજે બજારમાં વીસથી લઈને સો રૂપિયા સુધી વેચાઈ રહી છે. પ્રવાસમાં જનાર એક વ્યક્તિ અથવા પરિવારનો કુલ ખર્ચનો અમુક હિસ્સો ફક્ત બોતલબંધ પાણી વેચાતું લેવામાં જતો હોય છે. આથી દેશના સવાસો કરોડ લોકો હવે સ્થાનિક પ્રશાસન પાસેથી શુદ્ધ જળની આશા રાખી રહ્યા છે.

દેશની તમામ નાની-મોટી નદીઓ, તળાવો વર્ષોથી દૂષિત પાણીનો શિકાર છે. ગંગા શુદ્ધીકરણ અભિયાન માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને મંત્રી ઉમાભારતીએ પણ જાહેરમાં કહ્યું છે કે ગંગાઘાટ ઘણો વિશાળ છે અને તેની નજીક લગભગ એક હજાર જેટલી નાની-મોટી ફેક્ટરીઓ છે, જેનું દૂષિત પાણી ગંગામાં આવી રહ્યું છે.

આથી અંદાજ લગાવી શકાય છે કે ભારતના નાગરિકો બોતલબંધ પાણી પીવા માટે મજબૂર થઈ ગયા છે, કેમકે પોતાના ઘર સિવાય તેઓને બીજે ક્યાંય પણ શુદ્ધ જળ મળશે તે માટે તેઓને ભરોસો નથી. આથી બોતલબંધ પાણીના ઉત્પાદકો-વિક્રેતાઓને ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. સરકાર શુદ્ધ પાણી બાબતે ગંભીર કદમો તથા તમામ નાગરિકોને દરેક જગ્યાએ શુદ્ધ જળ મળી રહે તે માટે એક્શન પ્લાન્ટ જલદીથી અમલમાં મૂકશે તો જ આવનારાં વર્ષોમાં ભારત વિશ્ર્વકક્ષાએ શુદ્ધ જળ બાબતે છપ્પનની છાતીએ ઊભો રહી શકશે.


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.