વાત ભયંકર માનવ બર્બર સહન કરનાર ખંડની...



ભારતમાં વેપારીનો સ્વાંગ સજીને અંગ્રેજો આવ્યા અને દોસ્તીનો હાથ લંબાવવાના નામે કેટલાય પ્રપંચ ખેલ્યા. આવા ભયાનક પ્રપંચ અંગ્રેજોએ કેટલાય દેશોમાં ખેલ્યા છે. સમૃદ્ધિ અને સંપત્તિનાં મોજાંમાં ઉછાળા મારતા ભારત જેવા ઘણા દેશોને અંગ્રેજોએ ગુલામ બનાવી લૂંટી લીધા છે. આજે વાત કરવી છે એવા જ એક ખંડની જ્યાં અંગ્રેજોનો પગ પડવાથી મનુષ્યની વેદના વધી ગઈ. આજે વાત કરવી છે એશિયા પછી વિશ્ર્વના સૌથી મોટા ખંડની જેની ધરતી આજે પણ અંગ્રેજો દ્વારા થયેલી બર્બરતાથી કંપી ઊઠે છે. આજે વાત કરવી છે એવા ખંડની જેના લોકોએ અંગ્રેજોની સૌથી વધારે અને ભયાનક બર્બરતા સહન કરી. આજે વાત કરવી છે એવા ખંડની જ્યાં સદીઓ પહેલાં માન વવેપાર થતો હતો. ‘‘જહાઁ ડાલ ડાલ પર સોને કી ચિડિયાં કરતી થી બસેરા... વો ભારત દેશ હૈ મેરા...’’ આ પંક્તિને સાચી કરનાર, ભારતની સમૃદ્ધિનું નિમિત્ત બનનાર, ભારતને સોનાનો ભંડાર આપ્નાર ખંડની વાત આજે અહીં કરવાની છે. મુક્ત માનવોને બેડીઓ પહેરાવીને ગુલામ બનાવવા તે મહાયુદ્ધો કે બાઁબ વિસ્ફોટ કરતાં વધારે ભયાનક અને મનુષ્યજાતિ માટે સૌથી મોટી કરુણાંતિકા ગણાય. આવી ભયાનક ગુલામીની વેદના જે ખંડના લોકોએ વેઠી તે ખંડની વાત કરવી છે. જે ખંડના મોટાભાગના દેશો બીજા વિશ્ર્વયુદ્ધ પછી સ્વતંત્ર થયા, જે ખંડમાંથી 200 - 200 વર્ષ સુધી ત્યાંના લોકોને ગુલામ બનાવી એક જહાજમાં ઘેટાં-બકરાંની જેમ ભરીને યુરોપ, અમેરિકા અને ન્યુઝીલેન્ડના દેશોમાં ઢસરડા કરાવવા લઈ જવાયા, જે ખંડના લોકોને જીવતા ગુલામ બનાવી તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો, જેમને જીવતાં સમુદ્રની શાર્કનો ખોરાક બનાવવામાં આવ્યા, જે ખંડના લોકોનું મારતા પહેલાં ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું આવા માનવ બર્બરતાથી ત્રસ્ત ખંડની વાત આજે અહીં કરવી છે. જે ખંડનું નામ લેતાં જ તમને નેલ્સન મંડેલા, રંગ-ભેદની નીતિ, જાતિવાદ, ગરીબી, ગાંધીજીનો સત્યાગ્રહ, હેન્સી ક્રોનીની કેપ્ટનશીપ અને મેચ ફિક્સિંગ, જોન્ટી રોલ્ડસની ફિલ્ડિંગ યાદ આવી જાય, જે ખંડ ફોટોગ્રાફરો માટે ‘ક્લિકેબલ’ અને પ્રવાસીઓ માટે ‘વિઝિટેબલ છે, તે ખંડની વાત અહીં કરવી છે. આટલી લાંબીલચક વાત પછી મુદ્દા પર આવું તો ‘આફ્રિકા ખંડ’ની વાત આજે અહીં કરવી છે.

16મી સદીમાં નરી પ્રાકૃતિક સંપદાઓથી ભરેલા આફ્રિકાખંડ પર યુરોપ્ના દેશોની નજર પડી અને આફ્રિકાના અંધારાખંડનો ઇતિહાસ પલટાઈ ગયો. યુરોપ્ની પ્રજાએ અંગત સ્વાર્થ સાધવા આફ્રિકાને પોતીકો કરવા કોઈ કસર ન છોડી. જાણ્યા-અજાણ્યા વિદેશીઓના સારા ખરાબ હેતુઓથી આફ્રિકામાં નવી કેડીઓ કંડારાતી ગઈ.
આ બધાની વચ્ચે, 400 વર્ષની ગુલામી અને લૂંટ પછી પણ આફ્રિકા ખંડ આજે પણ વિશ્ર્વ સામે ઝઝૂમી રહ્યો છે. આફ્રિકા ખંડની શક્તિનું કારણ એક જ છે અને તે છે તેની પ્રાકૃતિક સંપદા. આટલી બધી લૂંટ છતાં તેના ઘણા દેશો આજે વિકાસશીલ દેશોની સૂચિમાં છે. તો આવો જાણીએ ભાષામાં સમૃદ્ધ, સંસ્કૃતિમાં સમૃદ્ધ, વિવિધ વાનગીમાં સમૃદ્ધ, કુદરતી સંપત્તિમાં સમૃદ્ધ અને સૌથી વધુ માનવ બર્બરતા સહન કરનાર આફ્રિકા ખંડને...

આફ્રિકાનો ઇતિહાસ

આફ્રિકા એટલે માત્ર દ. આફ્રિકા જ નહિ. આફ્રિકામાં નાના મોટા 53 દેશ આવેલા છે, જે ઉત્તર આફ્રિકા, પૂર્વ આફ્રિકા, મધ્ય આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને પશ્ર્ચિમ આફ્રિકામાં વહેંચાયેલા છે. આફ્રિકાના અલ્જિરિયા, ઈજીપ્ત, સુડાન, કેન્યા, સોમાલિયા, તાન્ઝાનિયા, યુગાંડા, કેપટાઉન વગેરે છે. આફ્રિકા ખંડની પાછળ ઘણી બધી વાર્તાઓ અને ધારણાઓ ઘડાયેલી છે. 1681માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર આફ્રિકા શબ્દની ઉત્પત્તિ ‘બરબર’ ભાષાના ‘ઈફ્રી’ એટલે કે ‘ઈફ્રાન’ શબ્દમાંથી થઈ છે. જેનો અર્થ ‘ગુફા’ થાય છે. જે ગુફામાં રહેતા લોકો માટે પણ વપરાય છે. એક બીજી ધારણા અનુસાર ‘અફ્રી’ એ લોકોને કહેવામાં આવે છે જે ઉત્તર આફ્રિકામાં પ્રાચીન નગર કાર્થેજ નજીક રહેતા હતા. કાર્થેજની પ્રચલિત ફોનેશિયન ભાષામાં ‘અફ્રી’ શબ્દ છે જેનો અર્થ ‘ધૂળ’ થાય છે. જેને લોકપ્રિય રોમન પ્રત્યય ‘કા’ (ભફ) લાગતાં આફ્રિકા (અફ્રી-કા) શબ્દ બની ગયો.

આફ્રિકાના ઇતિહાસને માનવવિકાસનો ઇતિહાસ પણ ગણવામાં આવે છે. યુગાંડા, તન્જાનિયા અને કેન્યાની સરહદ પર આવેલું વિક્ટોરિયા તળાવ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્ર્વનું બીજા નંબરનું મીઠા પાણીનું તળાવ છે. આ તળાવ વિશ્ર્વની સૌથી લાંબી ‘નીલ’ નદીનો સ્રોત છે. ઇતિહાસકારોનું માનવું છે કે આફ્રિકામાં જ સૌથી પહેલાં માનવનો જન્મ થયો હતો અને આફ્રિકામાંથી જ આ માનવો બીજા ખંડમાં ગયા. આફ્રિકાને માનવ સભ્યતાની જન્મભૂમિ પણ ગણવામાં આવે છે. આફ્રિકામાં જ વિશ્ર્વની બે પ્રાચીન સભ્યતા ઈજીપ્ત તથા કાર્થેજનો વિકાસ થયો હતો.

આફ્રિકા અને આર્થિક વિકાસ

આફ્રિકાના ઘણા દેશો બીજા વિશ્ર્વયુદ્ધ પછી સ્વતંત્ર થયા છે. સ્વતંત્રતા પછી આ તમામ દેશો આર્થિક વિકાસમાં લાગી ગયા છે. પ્રાકૃતિક સંપદાથી પરિપૂર્ણ હોવા છતાં આફ્રિકા આજે વિશ્ર્વનો સૌથી ગરીબ, દરિદ્ર, અવિકસિત દેશ ગણાય છે. 2003માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવવિકાસ માટે 25 દેશોની સૂચિ બહાર પડી હતી જેમાં આફ્રિકા 25મા એટલે કે સૌથી છેલ્લા સ્થાને હતું. પરિવહન અને ટેક્નોલોજીનો ઉપયોગ ન કરી શકવાથી આફ્રિકા ખંડ આજે વિકાસ કરી શકતો નથી. આફ્રિકાની મોટાભાગની વસ્તી પછાત અને અશિક્ષિત છે. આફ્રિકા મેલેરિયા, એઈડ્સ જેવા ભયાનક રોગોથી પીડાય છે. 16મી સદીના અંતમાં યુરોપિયનોને પ્રાકૃતિક સંપદાની જ‚ર પડી અને તેમને આફ્રિકા ખંડ મળી ગયો. આફ્રિકામાં પહોંચતાં આ યુરોપિયનોને ખબર પડી કે આફ્રિકા તો સોનું, ચાંદી, હીરા, પેટ્રોલિયમ જેવી ખનીજ સંપદાનો ભંડાર છે. બસ, પછી તો આફ્રિકાની લૂંટ શ‚ થઈ ગઈ! જોકે આઝાદી પછી આફ્રિકાના ઘણા દેશોની પ્રગતિમાં ગતિ આવી છે. આફ્રિકાના અંગોલા, સુડાન અને ઇક્વાડોર જેવા દેશોએ પેટ્રોલિયમ ભંડારનો પૂરતો ઉપયોગ કરી તેની યોગ્ય વિતરણ વ્યવસ્થા ઘડી પોતાનો વિકાસ કર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીને આફ્રિકાના ઘણા દેશોમાં રોકાણ કર્યું છે. 2007માં જ ચીની રોકાણકારોએ આફ્રિકામાં 1 બિલિયન ડાલરનું રોકાણ કર્યું છે. દ. આફ્રિકા આજે ભારતની જેમ વિકાસશીલ દેશોની હરોળમાં ઊભું છે. તાજેતરમાં જ દ. આફ્રિકાએ ફિફા વર્લ્ડ કપ્નું આયોજન કરી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ભારતના લલિત મોદી પણ ટ્વેન્ટી/20 વર્લ્ડ કપ્નું આયોજન દ. આફ્રિકામાં કરી ચૂક્યા છે. આફ્રિકામાં ગરીબી, નસ્લવાદ ભલે વધારે હોય પણ ધીરે ધીરે તેની કુદરતી સંપદાના જોરે તે આગળ વધતો જ રહ્યો છે.

અંગ્રેજો - આફ્રિકા અને ભારત

ભારત અને આફ્રિકા વચ્ચે 3000 વર્ષ જૂનો વ્યાપારિક સંબંધ છે. વર્તમાનમાં પણ આફ્રિકાના ઘણા દેશો અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધ છે. 400 વર્ષ જૂના દસ્તાવેજો વાંચવામાં આવે તો વધુ ખબર પડે કે ભારત અને આફ્રિકાના વેપારીઓ વચ્ચે વ્યાપારિક સંબંધ હતો. આફ્રિકા જે ભૌતિક રીતે ગરીબ દેશ દેખાય છે તે પ્રાકૃતિક રીતે ઘણો સમૃદ્ધ દેશ છે. 16મી શતાબ્દીથી 20મી શતાબ્દી સુધી અંગ્રેજોએ આફ્રિકાને ખૂબ લૂંટ્યો. અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવી ભારત પર જેટલા અત્યાચાર કર્યા તેનાથી અનેકગણા અત્યાચાર આ અંગ્રેજોએ આફ્રિકાના લોકો પર ગુજાર્યા હતા. પણ ઘણી કોશિશો કરવા છતાં ભારતની સંસ્કૃતિ, આપણી સામાજિક વ્યવસ્થા, આપણા જાતિસમૂહોને નાબૂદ ન કરી શક્યા. આ બાબતે અંગ્રેજો આફ્રિકામાં સફળ રહ્યા. અંગ્રેજોએ આફ્રિકાને લૂંટ્યો તો ખરો જ પણ તેમની 400 વર્ષ જૂની જાતિ વ્યવસ્થા, જાતિસમૂહોને નેસ્તનાબૂદ કરી નાખી. તેમની સંસ્કૃતિ યુરોપ કેન્દ્રિત કરી નાખી. આફ્રિકાના સેંકડો જનસમૂહો જે 400 વર્ષ પહેલાં આફ્રિકા ખંડમાં રહેતા હતા તેમનો નાશ કરી નાખ્યો. આફ્રિકાની 2000 કરતાં પણ વધારે ભાષા હતી. આફ્રિકાની ચિકિત્સા પદ્ધતિ, વાનગીઓ, સંસ્કૃતિ ભારતને ઘણા અંશે મળતી આવે છે. આફ્રિકન નેતા જોરો કેન્યાટો એ એક વાર કહેલું, ગોરાઓ આફ્રીકામાં આવ્યા ત્યારે જમીન અમારા હાથમાં હતી અને બાઈબલ તેમના હાથમાં હતી પણ થોડા વર્ષો પછી બાઈબલ અમારા હાથમાં આવી ગયું અને જમીન તેમના હાથમાં ચાલી ગઈ.આફ્રિકા અને ભારત વિશે જો અધ્યયન કરવામાં આવે તો ખબર પડશે કે 400 વર્ષ પહેલાં આફ્રિકા અને ભારતની સમૃદ્ધિનું સૌથી મોટું કારણ ભારત અને આફ્રિકાના દેશો વચ્ચેનો વ્યાપારી સંબંધ હતું. આજથી 400 વર્ષ પહેલાં સુધી ભારત અને આફ્રિકાના 53 દેશો વચ્ચે 3000 વર્ષ સુધી પરસ્પર વ્યાપાર, શિક્ષણ, સંસ્કૃતિ સભ્યતાના આધારે સંબંધ રહ્યો હતો.



આજથી 400 વર્ષ પહેલાં સુધી ભારતનું સૌથી વધારે કાપડ ખરીદનાર, સૌથી વધારે મસાલા ખરીદનાર આફ્રિકા હતું. ભારતે સૌપ્રથમ કાપડ બનાવવાની રીત આફ્રિકાને આપી હતી. ત્યાર પછી આફ્રિકામાંથી તે અંગ્રેજોના હાથમાં આવી અને ઇંગ્લન્ડમાં ટેક્ષટાઇલ્સનો ઉદ્યોગ વિકસ્યો. ભારત અને આફ્રિકા વચ્ચે ઘણાં વર્ષો સુધી વિનિમયનો વેપાર રહ્યો હતો. એક વાત વિચારવા જેવી છે કે ભારતમાં સોનાની ખાણ વિપુલ પ્રમાણમાં નથી, માત્ર કર્ણાટકના એક નાનકડા જિલ્લા કોલારમાં બે-ત્રણ સોનાની ખાણ છે તેમ છતાં ભારતમાં સોનાનો ભંડાર છે. હીરાનો ભંડાર હતો જે અંગ્રેજો લૂંટી ગયા. આનું કારણ છે આફ્રિકા અને આપણા લોકોનો, આપણા વેપારીઓનો આફ્રિકાના વેપારી સાથેનો વ્યાપારિક સંબંધ. ભારતના વેપારી આફ્રિકાને જે માલ વેચતા હતા તેના બદલામાં આફ્રિકાના વેપારી ભારતના વેપારીઓને સોનું, ચાંદી, હીરા આપતા. આમ વિનિમયનો વેપાર ચાલતો. પરિણામે ભારત અને આફ્રિકાનો પરસ્પર વ્યાપારિક સંબધ જ બંને દેશને સમૃદ્ધ બનાવતો. ભારતની પેઢીઓ આફ્રિકામાં હતી, તેમાં મુખ્યત્વે કચ્છી સાહસિકો હતા. જંગલી લવિંગને વૈજ્ઞાનિક ખેતીમાં ફેરવનાર કચ્છી હતો.

પણ 400 વર્ષ પહેલાં 16મી સદીમાં અંગ્રેજોની નજર આ સમૃદ્ધ ખંડ ઉપર પડી અને ભારત-આફ્રિકાના વ્યાપારની સાથે સાથે આફ્રિકાના વિકાસનો પણ અંત આવી ગયો. છતાં કહેવાયું કે અંગ્રેજોએ આફ્રિકા ખંડની શોધ કરી! આફ્રિકાને લૂંટવાનું બાકી રહી ગયું હોય તેમ આ યુરોપિયન લેખકો લખે છે કે જગતના અજાણ્યા દેશોની ખેપ કરવા નીકળેલા સાહસિકો આફ્રિકા ખંડમાં આવી ગયા તે તો આફ્રિકા માટે મહા સદ્ભાગ્યની વાત કહેવાય! આ આફ્રિકા ખંડમાં તો મરવાને વાંકે જીવતા, લાચાર, અણઘડ અને જંગલી લોકો રહેતા હતા! આફ્રિકનો માટે યુરોપિયનો તારણહાર સાબિત થયા છે. એક યુરોપીય લેખક લખે છે કે આફ્રિકનો એવી બદતર હાલતમાં જીવતા હતા કે એમને બેડીઓ બાંધીને યુરોપ, અમેરિકા લઈ ગયા તે સારું થયું. જો તેઓ આફ્રિકામાં રહ્યા હોત તો ભારે દુર્દશાભરી પરિસ્થિતિમાં અકાળે મૃત્યુ પામ્યા હોત. આજે યુરોપ, અમેરિકા કે વેસ્ટ ઇન્ડિઝમાં તમે જે કોઈ આફ્રિકન પુરુષ કે સ્ત્રીને જુઓ છો તેના પૂર્વજોને એક સમયે આ યુરોપિયનોએ ચાલબાજીથી ફસાવી બેડીઓથી બાંધી, ઘેટાંબકરાંની જેમ એક જહાજમાં નાખીને પોતાના દેશમાં લાવી આ સભ્ય લોકોએ તેમને ગુલામ તરીકે રાખ્યા હતા. ફરક એ છે કે ભારતીય વેપારીઓ-કચ્છી માડુએ તેમને સંસ્કાર આપ્યા, ખેતી શીખવી, વેપાર શીખવ્યો, અંગ્રેજોએ તેમને ગુલામી આપી, શોષણ કર્યું. અને ધર્મપરિવર્તન કર્યું. અને આ યુરોપિયનો લખે છે કે સત્ય અને પ્રભુથી ડરનારા સાહસિક યુરોપિયનોએ જાનના જોખમે આફ્રિકાખંડને શોધી કાઢ્યો! પોતાની ગરીબી, ભૂખમરો દૂર કરવા દુનિયાને લૂંટવા નીકળી પડેલા આ યુરોપિયનોની લૂંટનો ઇતિહાસ કેમ તેઓ લખતા નથી!!

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.