વર્ષ - ઇ.સ. ૧૯૪૨
વતન - ભરૂચ અને સૌરાષ્ટ્ર
ઈ.સ. ૧૯૪૨!
‘અંગ્રેજો ટળો’ની ચળવળ પૂરબહારમાં જામી છે.
તે વેળાની ગુજરાતની ધરતી પર બનેલી આ એક ગૌરવભરી ઘટના છે.
ભરૂચ જિલ્લામાં શ્રી છોટુભાઈ પુરાણીની આગેવાની નીચે કેટલાક તીખા સ્વભાવના દેશભક્તો ભેગા થયા છે.
આ દેશભક્તોમાં શ્રી છોટુભાઈ પુરાણી, ભરૂચના પીઢ આગેવાન શ્રી ચંદ્રશંકર ભટ્ટ, શ્રી લલ્લુભાઈ, શ્રી રામસંગ, શ્રી મેઘજી નાયક, શ્રી ખોડુભા વગેરેનો સમાવેશ થાય છે.
આ બધા ઉપર અંગ્રેજો ખૂબ ખફા છે. એમનામાંથી કેટલાકને જીવતા યા મૂએલા પકડી લાવવાને માટે ૫૦૦૦થી માંડી ૨૫૦૦૦ રૂપિયા સુધીનાં ઇનામો એમણે જાહેર કરેલાં છે.
તો પણ અંગ્રેજો સામે બહારવટે ચડવાનું ભયંકર જોખમ ખેડનારા આ સાહસિકોને પૈસાની ભારે તંગી વેઠવી પડતી હતી.
પૈસા વિના સરકારને ઉથલાવી નાખવાનાં આવાં કામો પાર પાડી શકાય જ નહીં, એ તો દેખીતું જ હતું.
આથી આ ક્રાંતિકારીઓ એકાદ ટ્રેન લૂંટવા માટેના કાર્યક્રમની વિચારણા કરી રહ્યા હતા.
એવામાં એક દિવસ તેમની ટોળીમાં આગના તણખા જેવા બે યુવાનો સૌરાષ્ટ્રથી આવી પહોંચ્યા.
એમાંના એક શ્રી જશવંતભાઈ મહેતા અને બીજા તે શ્રી ગુણવંતરાય પુરોહિત. (જશવંત મહેતા પછીથી ગુજરાત રાજ્યના નાણાપ્રધાન બન્યા હતા.)
એ વખતે સૌરાષ્ટ્રમાં ‘આઝાદ કાઠિયાવાડ’ના નામે ક્રાંતિની જ્યોત ઝબકતી રહી હતી. એ પ્રવૃત્તિનું સંચાલન શ્રી રતુભાઈ અદાણી, શ્રી મનુભાઈ બક્ષી, શ્રી નિરંજન વર્મા, શ્રી જયમલ પરમાર વગેરે કરી રહ્યા હતા.
આ પ્રવૃત્તિમાં શ્રી જશવંતભાઈ અને શ્રી ગુણવંતભાઈ પણ જોડાયા હતા.
બંને જણા ભરૂચ આવી શ્રી ચંદ્રશંકર ભટ્ટ અને તેમના સાથીઓને મળ્યા હતા.
આ બંને નવા સાથીદારો ભારે ઉત્સાહી હતા.
એમણે ભરૂચની ટોળીએ વિચારેલી ટ્રેનની લૂંટની યોજના પાકી કરવામાં સારી એવી મદદ કરી.
શરૂઆતમાં તો એ લોકો ફ્રંટિયર મેલમાં મુંબઈથી દિલ્હી અવારનવાર જતી સોનાની પાટો લૂંટવાનો વિચાર કરતા હતા. પણ સારી એવી વિચારણા બાદ એ લોકોએ બ્રૉડ ગેજને બદલે મીટર ગેજ પર જતી ટ્રેનને લૂંટવાનું નક્કી કર્યું.
શ્રી જશવંતભાઈ અને શ્રી પુરોહિત બંનેને સૌરાષ્ટ્રનો સચોટ ખ્યાલ હતો.
એટલે એમને ગાડી અને લૂંટ કરવા માટેનાં અનુકૂળ સ્થળો અને લૂંટ કરી પાછા ફરવા માટેનો આખો રસ્તો નક્કી કરવાનું કામ સોંપાયું.
બંને મિત્રોએ ભારે ઉત્સાહથી એ કામ ઉપાડી લીધું.
એમની બધી તપાસ અને વિગતવાર આયોજન પૂરાં થયાં એટલે બધા પાછા ભેગા મળ્યા.
લૂંટ વિષેની નાનામાં નાની બાબતો વિષે ફરી એકવાર ખૂબ ખૂબ ઝીણવટભરી વિચારણા કરી.
લૂંટને માટે અમાસનો દિવસ નક્કી કરાયો.
આખી ટુકડીના જુદા જુદા સભ્યોને જુદી જુદી કામગીરીઓ સોંપવામાં આવી.
વિરમગામ પહોંચી બધાને ટ્રેનમાં બેસી જવાનું હતું.
ગુણવંતભાઈને ટ્રેન રોકવાનું કામ સોંપવામાં આવ્યું.
જશવંતભાઈને ફાળે ટ્રેન ઊભી રહે કે તરત જ એન્જિનમાં પહોંચી એમાં ભાંગફોડ કરી ખોટકાવી દેવાનું કામ આવ્યું.
ચંદ્રશંકર ભટ્ટને ભાગે એ ટ્રેનમાં દરરોજ રાત્રે મુસાફરી કરતા ટ્રેનના ચોકિયાતને હથિયાર વડે તાબે કરવાનું કામ આવ્યું.
બીજા કેટલાકને ફાળે ટ્રેન ઊભી રહેતાં એના ડબ્બાઓની બારીઓની નીચેના ભાગ પર સખત પથ્થરમારો કરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને એમની બારીઓ બંધ કરવાની ફરજ પાડવાનું કામ સોંપાયું.
છેવટે નક્કી કરેલ દિવસે જુદાં જુદાં જૂથોમાં આ બધા ક્રાંતિકારીઓ વિરમગામ પહોંચી ગયા.
તમામ લોકો નક્કી કર્યા પ્રમાણે આવી ગયા છે, તેની છૂપી રીતે ખાતરી કરાઈ.
તે બાદ બધા ટ્રેનમાં ગોઠવાયા.
અમાસની રાત હતી.
આથી ચારેકોર ઘોર અંધકાર ફેલાયેલો હતો.
એ અંધકારમાં ગાડી આગળ વધી રહી હતી.
શ્રી ચંદ્રશંકરના સારા નસીબે એ ટ્રેનનો ચોકિયાત એની નજીક જ એની બંદૂક મૂકી પાટિયા ઉપર ચડી નિરાંતે સૂઈ ગયો. આથી એમનું કામ તો ખૂબ જ સરળ થઈ ગયું.
કેટલાક વખત બાદ ટ્રેન નક્કી કરેલા સ્થળ પાસે આવી લાગી.
ગુણવંતભાઈએ ભારે કુશળતાથી એ થોભાવી.
થોભતાંની સાથે જ ધડાધડ કરતો પથ્થરમારો શરૂ થયો.
પથ્થરોથી બચવા ગભરાઈ ગયેલા મુસાફરોએ ફટોફટ ટ્રેનની બારીઓ બંધ કરી દીધી. જશવંતભાઈ એન્જિન ઉપર ચડી ગયા. રિવોલ્વરની અણીએ એમણે ડ્રાઇવરને વશ કર્યો. ભારે ઝડપથી એન્જિનના કેટલાક ભાગ ખોટકાવી દીધા.
શ્રી ચંદ્રશંકરભાઈએ તો પેલા ચોકિયાતને યોગ્ય ક્ષણે એક પળમાં જ મહાત કરી દીધો.
બાકીના લોકો આર.એમ.એસ.ના ડબ્બામાં ઘૂસ્યા. ફટાફટ થેલાઓ તોડી રજિસ્ટર કરેલાં પાકીટો અને બીજી કીમતી ટપાલ ભેગાં કરવામાં આવ્યાં.
આ લૂંટમાં એકાદ ક્રાંતિકારીની રિવોલ્વરનો કુંદો આર.એમ.એસ.ના એક માણસના માથામાં વાગ્યો. લોહી નીકળ્યું. તરત જ પ્રાથમિક ઉપચારની પેટીમાંથી એની દવા પણ કરાઈ.
પચીસેક મિનિટમાં તો બધું જ કામ પતી ગયું.
આ રીતે ભારે સફળતાથી આ લાખેણી લૂંટની યોજના નિર્વિઘ્ને પાર પડાઈ.
શ્રી જશવંત મહેતાએ આવી જ એક બીજી ટ્રેનની લૂંટમાં ભાગ લીધેલો.
આ ટ્રેન એમણે વિરમગામ અને લખતર વચ્ચે લૂંટી હતી.
ભારે સફળતાથી લૂંટ પતાવી એ અને એમના સાથી નાઠા. સીધા આવ્યા કડી.
કડીથી એક ઊંટ ઉપર બેસીને બંને કલોલ સ્ટેશને આવી પહોંચ્યા.
પહેલા વર્ગની ટિકિટો કઢાવી બંને જણા એમના ડબામાં ગોઠવાયા.
થોડી જ વાર બાદ એ ટ્રેનની લૂંટની તપાસમાં નીકળેલા કેટલાક પોલીસ અમલદારો સ્ટેશન પર આવ્યા. એ લોકો પણ પહેલા વર્ગના એ જ ડબામાં ગોઠવાયા.
છાતીધડા જશવંતભાઈ અને એમના સાથી ભારે શાંતિથી, સહેજ પણ ગભરાયા વિના થોડી વાર સુધી એ ડબ્બામાં ચૂપચાપ બેસી રહ્યા.
એમના ખીસામાં ભરેલી રિવોલ્વરો પણ મોજૂદ હતી, છતાં એમનું રૂંવાડુંય ફરક્યું ન હતું.
થોડી વાર બાદ એ ડબ્બો બદલી એ લોકો બીજા ડબ્બામાં જઈને ચૂપચાપ બેસી ગયા.
આ લૂંટો દ્વારા મેળવવામાં આવેલી રકમ ૧૯૪૨ના સ્વાતંત્ર્યસંગ્રામના એ આંદોલનમાં જ વાપરવામાં આવી.
આવી હિંમત હતી આપણા જુવાનિયાઓમાં.