ખોરાકમાં વપરાતા તેલને ઓળખીલો પછી નક્કી કરો કયુ તેલ ખાવું જોઇએ
અવારનવાર પુછાતા પ્રશ્ર્નોમાં તેલ ખવાય કે નહીં? ખાવું તો કયું ખાવું એ ચોક્કસ પુછાતો પ્રશ્ર્ન છે. અત્રે ટૂંકાણમાં કેટલીક વાતો કરવા પ્રયત્ન કર્યો છે. આશા છે આપ્ને માર્ગદર્શક નીવડશે.
આજે સ્વાસ્થ્ય જાળવવા માગતા લોકો ફરસાણ, તેલમાં ડીપ ફ્રાય કરેલી દરેક વાનગીથી દૂર રહે છે. જોવાની મઝા એ છે કે તેલમાં તળેલી વાનગીઓ સ્વાદમાં સારી લાગતી હોઈ જેમને જીભનો સ્વાદ બરાબર પકડાતો નથી, તળેલી વાનગીઓનો શોખ રાખવાના અને જીભ એટલે કે સ્વાદેન્દ્રિયની ક્રિયાશક્તિ (સ્વસ્થ વ્યક્તિમાં)ને પાચનતંત્ર સાથે સંબંધ છે. આપણે આગળ ખોરાકના છ રસોના ગુણ અવગુણ જોયા. શરીરને નુકસાન કરનારા પદાર્થોની ઇચ્છાને રોગ થવા સાથે સંબંધ છે અને એ ઇચ્છાને શરીરમાં એકત્રિત થઈ રહેલા નુકસાનકારક પદાર્થો સાથે સીધો સંબંધ છે.
ચરબીના ચાર વર્ગ
તેલવર્ગ, ઘૃતવર્ગ, વસાવર્ગ અને મજ્જાવર્ગ એમ ચરબીના (સ્નેહન-લુબ્રિકેટિંગ - કર્મ કરનારા પદાર્થો) ચાર મુખ્ય વર્ગ છે. વસાવર્ગ અને મજ્જાવર્ગ જીવિત શરીરમાંથી મેળવાય છે. ઘૃત એટલે કે ઘી પ્રાણીજ દ્રવ્ય હોવા છતાં તેમાં જીવહિંસા થતી ન હોઈ આપણે સ્વીકાર્યું છે. તેલને સ્થાવર (વાનસ્પતિક) સ્નેહ કહ્યો છે. વિવિધ વનસ્પતિઓનાં વિવિધ અંગોમાંથી ચીકાશ મળે છે અને તે ચીકાશ આપણે સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે જે તે વનસ્પતિનાં બીને પીલી તેમાંથી તેલ કઢાય છે. આજે જાણીતાં તેલોમાં સફેદ-કાળા તલ, સરસવ (સરસિયું), એરંડા (એરંડિયું), બદામ, રાઈ, પિસ્તાં, લિંબોળી, કણજી જાણીતાં છે. તે સિવાય અળસી, ભીલામો, પીલુ, શંખાવલી, દેવદાર, સરલ, અગુરુ, સીસમ, ધાણા, માલકાંકણી (જ્યોતિષ્મતિ), અરીઠા, સારણી (રાતી સાટોડી), બહેડા, તેંદુ (અતિમુક્તક), અખરોટ, નારિયેળ, મહુડાં, તરબૂચ, કાકડી, કોળાં, ગુંદા, ચારોળી, શ્રીપર્ણી, ખાખરો, જવ, આંબલી, કેરીની ગોટલી જેવાં અનેક દ્રવ્યોનાં તેલ નીકળે છે અને તેમનો ઉપયોગ કરાય છે.
સ્થાવર (વાનસ્પતિક) તેલોમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. ખોરાકમાં સફેદ તલનું તેલ આપણે વાપરીએ છીએ અને વાળની માવજત માટે કાળા તલનું તેલ વાપરીએ છીએ.
તલનું તેલ :
સ્વાદમાં ગળ્યું અને તૂરું છે. ગુણમાં તે ગરમ છે, નાની અમથી જગ્યામાંથી પસાર થવાનો ગુણ ધરાવે છે. વાયુને મટાડનાર, ખાવું ભાવે તેવું, શરીરનું બળ વધારનાર, બુદ્ધિ વધારનાર; ચામડીના રોગો, ખંજવાળ, કોઢનો નાશ કરનાર, થાક દૂર કરનાર, શરીરને પુષ્ટ કરનાર છે. શરીરના કોઈ અંગમાં વધારે ઘસારો આવ્યો હોય, વાગ્યું હોય, મૂઢમાર પડ્યો હોય, અંગ કપાયું હોય, દાઝ્યું હોય (આજના સમયમાં શસ્ત્રકર્મ કે કોઈ પણ એક્સિડન્ટ ઈન્જરીમાં) તેમાં તલનું તેલ પથ્ય છે. એટલે કે તેમાં રાંધેલા ખોરાક દરદીને લાભ કરે છે. વાયુના રોગોમાં, સળેખમમાં, શિકારી પશુ કે કૂતરાનાં નખ, દાંત વાગવાની સ્થિતિમાં, સાપ દેડકા જેવા જીવોના ઝેરમાં પણ તલનું તેલ પથ્ય છે.
શરીરે માલિશ કરવામાં, નિયમિત કર્ણપૂરણ કરવામાં, નિયમિત નાકમાં ટીપા પાડવામાં, ગુદા દ્વારા બસ્તિ કે પિચુ મૂકવામાં, જેમને સ્નેહની જ‚ર હોય તેમને સ્નેહ પાનમાં તિલતૈલ શ્રેષ્ઠ હોઈ વપરાય છે. અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પક્ષાઘાત, મોંનો લક્વો, એક્સિડન્ટની સ્થિતિમાં દરદી ભાનમાં હોય, બોલી શકતા હોય તેમને હૂંફાળું કરીને તલનું તેલ વાટકી માપમાં પીધું હોય અને ઝડપથી રોગમુક્ત થયા હોય. અનેક મિત્રોને આ વાત વધારે પડતી જણાય તો માફ કરશો, પણ તલના તેલે અનેકોને નવજીવન આપ્યાં છે.
દરેક વસ્તુના ગુણ સાથે અવગુણ પણ હોય. તલનું તેલ ગરમ હોઈ પિત્ત વધારનારું છે, કફના રોગોને વધારનારું છે એટલે વાપરતી વખતે સહેવાતું ગરમ કરી વાપરવાથી તે દોષ નીકળી જાય છે. આપણે ત્યાં તલનો ખોળ એટલે તલનું કચરિયું વધારે ન ખાવાની સલાહ એટલે અપાય છે.
સરસિયું તેલ :
આપણા ગુજરાતમાં તે ઓછું વપરાય છે. પંજાબ બાજુ તેનો વપરાશ વધારે છે. સ્વાદમાં તે તીખું, કડવું છે. ગુણમાં તે ગરમ છે. બંધકોષ કરનાર છે. વાયુ અને કફનો નાશ કરનાર છે. તે કરમિયાં, ખૂજલી, કોઢમાં હિતકર છે. મેદસ્વિતા દૂર કરનાર છે.
તેના અવગુણમાં તે અતિશય પિત્ત વધારનારું છે. જલદ હોઈ બળતરા કરે છે. આથી આપણે ત્યાં શિયાળાની ઠંડીમાં બાળકો, વૃદ્ધો અને સુવાવડમાં હોય તેવી મહિલાઓના માલિશમાં તેનો ઉપયોગ થાય છે. શ્ર્વાસની તકલીફવાળાને અને મૂઢાઈ ગયેલા ગૂમડાને પકવવા માટે સરસિયું હિતકર છે.
એરંડિયું (દિવેલ) :
તેની ઘનતા વધારે છે. સ્વાદમાં તે ગળ્યું છે. ગુણમાં કોમળ છે. મળને તોડી બહાર કાઢનાર છે, તેથી એ માન્યતા દ્ઢ થઈ ગઈ કે એરંડિયું એટલે જુલાબ. એવું નથી. તે હૃદય, પેઢુ, જાંઘ, કમર અને સાથળમાં થતા દુખાવાનો નાશ કરનાર છે. જેમને કબજિયાત રહેતી હોય (ભૂખ બરાબર લાગતી હોય, ઉપવાસ ન કરી શકે એટલી ભૂખ હોય તેમને પણ), પેટ ચઢી જતું હોય (આફરો આવતો હોય), પ્રોસ્ટેટ વધતું હોય, શરીરમાં ઝામાં પડી આવતાં હોય, ઝાડો પેશાબ અવારનવાર રોકાઈ જતાં હોય, શરીરના અવયવોમાં ઓચિંતાં તીવ્ર દુખાવો ઊપડતો હોય, વાયુના વિવિધ વિકારોમાંથી કોઈ પરેશાન કરતો હોય, ગૂમડું પાકતું ન હોય તેમ વેળાતું ન હોય તેમાં ઉપકારક છે. રાતા દિવેલાનું તેલ પચવામાં ભારે, ગુણમાં ગરમ, સ્વાદમાં ગળ્યું, વાસ તીવ્ર હોય છે, શરીરનું બળ વધારનાર, ઝડપથી કાર્ય કરનારું છે.